ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
વિશ્વની ટોચની શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીને બરોબરની ટક્કર આપનારા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. અંબાણી કરતાં આગળ નીકળવામાં અદાણીની સંપત્તિમાં થોડા કરોડ રૂપિયા જ ખૂટી રહ્યા છે. બુધવારથી ગુરુવારના 24 કલાક દરમિયાન એટલે કે માત્ર એક જ દિવસમાં અદાણીની સંપત્તિમાં 1.11 અબજ ડૉલરનો વધારો થયો છે. એ સાથે જ તેમણે ચીનના અબજપતિ ઝોંગ શાનશાનને પણ પાછળ મૂકી દીધા છે.
કોરોનામાં મોટા ભાગના લોકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે, પરંતુ કોરોનામાં દેશના ધનવાન લોકોને બરોબરનો ફળી ગયો છે અને તેમની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી 20 મે, 2021 સુધીમાં જ 32.7 અબજ ડૉલર (લગભગ 2.38 લાખ કરોડ રૂપિયા)નો વધારો થયો છે.
ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 67.6 અબજ અમેરિકન ડૉલર ( લગભગ 4.93 લાખ કરોડ રૂપિયા) છે. આમાં અડધાથી વધારે સંપત્તિ તેમણે માત્ર છ મહિનામાં જ કમાઈ હોવાનું જણાઈ આવે છે.
ગૌતમ અદાણી એશિયાના બીજા નંબરના શ્રીમંત છે, તો પહેલા નંબરે હજી પણ રિલાયન્સના મુકેશ અંબાણી છે. તેમની સંપત્તિ 76.3 અબજ ડૉલર છે, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન એમાં 22 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 1.11 અબજ ડૉલરનો વધારો થઈ ગયો છે. એટલે કે હાલ બંનેની સંપત્તિ વચ્ચેનું અંતર માત્ર 8.7 અબજ ડૉલર (63,530 કરોડ રૂપિયા)નું રહી ગયું છે.