ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2021
રવિવાર
કોઈપણ પ્રસંગે મિત્રને કે સ્વજનોને ગિફ્ટ આપવી હોય ત્યારે શું આપવું? તેની મથામણ હોય છે અને જે આપવું હોય તે જલદીથી મળે નહીં તેવું પણ થાય છે. બજારોમાં ગિફ્ટ લેવા માટે એક દુકાનથી બીજી દુકાને રખડવું પડે છે. એવામાં પોતાની મનપસંદ વસ્તુ સિલેક્ટ કરીને જાતે જ ડિઝાઇન કે ક્રિએટિવિટી કરવાનો મોકો મળે તો ગિફ્ટ ખરીદવાનું કામ કેટલું સરળ થઈ જાય!
આવો જ વિચાર જયપુરમાં રહેતી સૌમ્યા કાબરાને આવ્યો અને તેણે એક ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરી. જ્યાં દરેક પ્રસંગ માટેના ગિફ્ટ પસંદ કરીને તેને પોતાની રીતે ડિઝાઇન કરી શકાય અને પોતાના મિત્રોને મોકલી પણ શકાય.
બિઝનેસ ફેમિલી બૅકગ્રાઉન્ડ ધરાવતી ૨૪ વર્ષની સૌમ્યા ૨ વર્ષ પહેલાં આવી જ મથામણમાં મુકાઈ હતી. પોતાને ગમતી ગિફ્ટ દુકાનો કે ઓનલાઇન પર ન મળી ત્યારે તેણે ૫૦ હજાર રૂપિયાનું રોકાણ કરીને કોન્ફટી ગિફ્ટસ્ નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જાતે ગિફ્ટ બોક્સ અને મોડેલ ડિઝાઇન કર્યા. માર્કેટમાં હોય તેનાથી વધુ આકર્ષક પ્રોડક્ટ તૈયાર કર્યા. ત્યારબાદ એક વેબસાઈટ બનાવીને પોતાના પ્રોડક્ટના ફોટા તેના પર અપલોડ કર્યા. શરૂઆતમાં તેને બહુ સારો પ્રતિસાદ મળ્યો.
સૌમ્યાએ જણાવ્યું હતું કે, આ કામની શરુઆત કર્યા બાદ તરત જ કોરોના લીધે લોકડાઉન લાગું થયું. બધી દુકાનો બંધ થઈ ગઈ. અમે જ્યાંથી પ્રોડક્ટ ખરીદતા હતા ત્યાં જવું મુશ્કેલ થઈ ગયું. બધી સુવિધાઓ બંધ થઈ ગઈ અને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો, પરંતુ એનો મોટો ફાયદો એ થયો કે અમને વધુ બહેતર માર્કેટ મળ્યું. લોકો આ સમયગાળામાં ઓનલાઈન પ્લેટફોર્મને વધુ પસંદ કરવા લાગ્યાં. દુકાન ન જઈ શકનારા લોકોએ ઓનલાઇન ગિફ્ટ ખરીદવાની શરૂઆત કરી. લોકડાઉનમાં ઘરે નવરાં બેઠાં હોવાથી લોકો પાસે ક્રિએટિવિટી કરવાનો ભરપૂર સમય હતો. તેથી લોકોએ અમારા પ્લેટફોર્મને વધુ પસંદ કર્યું.
કોઈપણ જાતના વિશેષ પ્રમોશન વગર આ યુવતીના પ્રોડક્ટ દેશ-વિદેશમાં પહોંચી ગયા છે અને આજે તેનું ટર્ન ઓવર બે કરોડ રૂપિયા જેટલું થઇ ગયું છે. તેમની પાસે ૨૦૦થી વધુ વેરાયટીના પ્રોડક્ટ છે.
ચોંકાવનારા સમાચાર: આ રાજ્યના બે વખતના મુખ્ય મંત્રીના સાળી રસ્તા પર ભિખારીની જેમ રહે છે.