ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
માથા પર કરોડો રૂપિયાનું દેવું ધરાવતી સરકારની માલિકીની ઉડ્ડયન કંપની ઍર ઇન્ડિયા છેવટે વેચાઈ ગઈ છે. ઍર ઇન્ડિયાને વેચવા માટે લગાવવામાં આવેલી બોલીને ટાટા સન્સે જીતી લીધી છે. એથી ઍર ઇન્ડિયા હવે બહુ જલદી ટાટા ઇન્ડિયા બની જવાની છે. કેન્દ્ર સરકાર માટે ઍર ઇન્ડિયા ધોળો હાથી બની ગયો હતો.
ખોટ કરતી ઍર ઇન્ડિયાને વેચી દેવા માટે વર્ષોથી કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેના માથા પર રહેલું કરોડો રૂપિયાનું દેવું તથા ખોટને કારણે તેમ જ સરકારની પૉલિસી ક્લિયર ન હોવાથી કોઈ કંપની રસ બતાવતી નહોતી. છેવટે ભારે મથામણ બાદ સરકારે ફરી એને વેચવા કાઢી હતી. ઇન્ડિગો, સ્પાઇસ સહિત ટાટા સન્સે પણ ઍર ઇન્ડિયાની ખરીદી માટે બોલી લગાવી હતી. ઍર ઇન્ડિયાના માથા પર રહેલું કરોડો રૂપિયાનું દેવું કોણ ભરશે, ખોટનો આંકડો હજારો કરોડ ઉપર પહોંચ્યો હોવાની સાથે જ કર્મચારીઓ સહિતના જુદા જુદા મુદ્દાઓ પર છેલ્લી ઘડીએ અન્ય કંપનીઓ ખસી ગઈ હતી. એથી ટાટા સન્સે બોલી જીત ગઈ હતી.
ટાટા સન્સ માટે જોકે આ ક્ષણ બહુ ભાવનાત્મક રહી હતી, કારણ કે ઍર ઇન્ડિયા મૂળમાં ટાટાની માલિકીની જ ખાનગી ઉડ્ડયન કંપની હતી. ટાટા ગ્રુપે 1932માં ઍર ઇન્ડિયાની સ્થાપના કરી હતી, પરંતુ સરકારે 1953માં પોતાના હસ્તક કરી લીધી હતી. હવે ફરી ઍર ઇન્ડિયાની માલિકી ટાટા સન્સ પાસે આવી ગઈ છે.