ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
તાતા સન્સે ૧૮,૦૦૦ કરોડમાં ઍર ઇન્ડિયાને ખરીદી છે. ઍર ઇન્ડિયા હાલના મૅનેજમેન્ટના નેતૃત્વનું આ સૌથી મોટું સંપાદન છે. તાતા ટ્રસ્ટના ચૅરમૅન રતન તાતાએ ઍર ઇન્ડિયા માટે બિડ કરવાના નિર્ણયનો શ્રેય તાતા ગ્રૂપના ચૅરમૅન એન. ચંદ્રશેખરનને આપ્યો છે.
રતન તાતાએ જણાવ્યું હતું કે તાતા સન્સે જે નિર્ણય લીધો હતો એ સંપૂર્ણપણે ગ્રૂપ ચૅરમૅન ચંદ્રશેખરનના નેતૃત્વ હેઠળના લોકો દ્વારા હાથ ધરવામાં આવેલા તારણ પર આધારિત હતો. તાતાએ કહ્યું હતું કે સાચું છે કે મને ઉડ્ડયનનો શોખ છે અને વિવિધ પ્રકારનાં વિમાનોમાં ટાઇપ રેટેડ પાઇલટ તરીકે મેં સારો સમય માણ્યો છે, જોકે ઍર ઇન્ડિયા માટે બોલી લગાવવાના નિર્ણયમાં હું સામેલ નથી. હકારાત્મક લાગણી છે કે અમે ઍર ઇન્ડિયાને મહત્ત્વના સ્તરે સ્થાપવામાં મદદ કરવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ.
તાતા સન્સ સામે અત્યારે બે મોટા પડકારો છે. ઍર ઇન્ડિયાના અગાઉના મૅનેજમેન્ટનો ગ્રાહકો પ્રત્યે ઉદાસીન અને બેદરકાર પ્રતિભાવ હતો. તાતાએ વિમાન કર્મચારીઓની આ આંતરવ્યક્તિત્વ કુશળતા પર કામ કરવું પડશે. તાતા સામે અન્ય પડકારો એ છે કે નાણાકીય દૃષ્ટિકોણથી ઍરલાઇન બ્રાન્ડની ઑપરેશનલ સધ્ધરતાને સુનિશ્ચિત કરવી પડશે.