ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
વેપારીઓની ઘણા સમયથી વણઉકેલાયેલી જૂની સમસ્યાનો આજે આખરે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે હવે રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓને પણ માઇક્રો, સ્મૉલ ઍન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી MSMEમાં સામેલ કરવાની માગણી સ્વીકારી લીધી છે. મહારાષ્ટ્ર અને દેશનાં વિવિધ વેપારી સંગઠનો ઘણા લાંબા સમયથી આ માગણી સરકાર પાસે કરતાં હતાં. આ મામલે વિવિધ વેપારી સંગઠનોએ અનેક વાર કેન્દ્ર સરકારને પત્ર લખ્યા હતા.
મહારાષ્ટ્રમાં ધ ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર – ‘ફામ’એ આ અંગે સૌપ્રથમ માગણી કરી હતી અને આ બાબતે સતત સક્રિય રહ્યું હતું. સંગઠનની માગ હતી કે ટ્રેડરને પણ સમાન દરજ્જો આપવામાં આવે. છેલ્લા કેટલાક વર્ષમાં વિવિધ સ્તરે સરકાર સુધી આ માગ વ્યાપારી સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવી હતી અને નાણાપ્રધાન, MSME પ્રધાન સહિત વડા પ્રધાનના કાર્યાલયને પણ પત્રો લખ્યા હતા.
આ સંદર્ભે વાત કરતાં ધ ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ વિનેશ મહેતાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આજે આ માગણી સ્વીકારતાં અમને એક મોટી સફળતા મળી છે અને અમે સરકારના આ પગલાને આવકારીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે અગાઉ માત્ર મૅન્યુફૅક્ચરિંગ યુનિટ છે કે સર્વિસ યુનિટને જ MSME તરીકેની માન્યતા મળતી હતી. હવે આ વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે અને રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓને પણ આમાં સામેલ કરાયા છે.