ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
આજથી ભારતમાં સોના પર હોલમાર્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. એના હેઠળ હવેથી 24 કૅરૅટનું સોનું વેચી શકાશે નહીં. ભારત સરકારે 15 જૂન, 2021થી દેશમાં સોનાના દાગીના પર હોલમાર્ક ફરજિયાત કરી નાખ્યું છે. નવી ગાઇડલાઇન મુજબ હવેથી ફક્ત 14, 18, ,22 આ કૅરૅટનું જ સોનું વેચી શકાશે. એમાં પણ હોલમાર્ક હોવો ફરજિયાત રહેશે. જોકે મુંબઈ સહિત દેશના લાખો જ્વેલર્સે સરકારના આ નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો છે. સરકારના આ નિર્ણયને રાતોરાત અમલમાં મૂકવો અશક્ય હોવાની ફરિયાદ પણ જ્વેલરો દ્વારા સરકારને કરવામાં આવી છે.
હોલમાર્ક એ સોનું કેટલુ પ્યૉર છે એનું એક પ્રકારનું સર્ટિફિકેટ છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં ફક્ત 40 ટકા સોનું જ હોલમાર્કવાળું વેચાય છે.એટલે કે 60 ટકા સોનું હોલમાર્ક વગરનું મિલાવટ સાથેનું વેચાતું હોવાનો અંદાજ જ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ હાલ ભારતમાં 4 લાખ જ્વેલર્સમાંથી ફક્ત 35,879 જ્વેલર્સ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાર્ન્ડ (BIS) સર્ટિફાઇડ છે.
સરકારના નવા આદેશ મુજબ ભારતમાં હવેથી હોલમાર્ક વગરનું સોનું વેચી શકાશે નહીં, પરંતુ આ આદેશને પગલે દેશના સાડાચાર લાખથી પણ વધુ રિટેલર-જ્વેલર્સની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તેઓએ સરકારના આ નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા સમયની માગણી કરી છે.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન-મુંબઈના પ્રેસિડન્ટ કુમાર જૈને જણાવ્યું હતું કે સોનાના હોલમાર્કને લઈને સરકારે અમને પહેલાં જ જાણ કરી હોવાનું અમે માનીએ છીએ, પરંતુ કોરોનાને પગલે છેલ્લા એક વર્ષમાં જ્વેલરોને 60થી 70 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા બે મહિનાથી ફરી લાદવામાં આવેલા લૉકડાઉનને પગલે વેપારીઓને ફરી 1,000 કરોડ રૂપિયાથી પણ વધુ નુકસાન થયું છે. એવામાં સરકારે 15 જૂનથી સોના પર હોલમાર્ક ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે, એને અમલમાં મૂકવો અઘરો છે.
હાલ જવેલરો પાસે 5,000 ટનથી પણ વધુ સોનું છે એવું બોલતા કુમાર જૈન કહ્યું હતું કે આટલા મોટા પ્રમાણમાં વેપારીઓ પાસે સોનાનો જથ્થો છે. તેને ફરીથી હોલમાર્કવાળુ બનાવવા માટે પુષ્કળ સમયની સાથે જ મોટા પ્રમાણમાં ખર્ચો છે. એટલુ જ નહીં પણ હાલ દેશમાં એટલા મોટા પ્રમાણમાં હોલમાર્ક સેન્ટર પણ નથી. તેથી પ્રેકટીકલી આ નિર્ણયને અમલમાં મૂકવું બહુ મુશ્કેલ છે.
ઓહોહો! મુંબઈ શહેરમાં ૧૦૩ કરોડ રૂપિયાનો ફ્લૅટ અને એમ છતાંય ખરીદારોની કમી નહીં; જાણો વિગત
સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું બોલતા કુમાર જૈને કહ્યું હતું કે, સરકારે અમને બહુ પહેલા જાણ કરી હતી, પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉનમાં બધુ બંધ રહ્યું હતું.વેપારીઓને એટલો સમય જ મળ્યો નહોતો. હાલ જોકે ઓલ ઓવર ઈન્ડિયા પર જવેલરોની અપેક્સ બોડી બનાવી છે. તેથી એડોપ્ટ બોડી સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી રહી છે. સરકાર પાસે સમય માગવામાં આવ્યો છે. તેમ જ આ નિર્ણયમાં અનેક ત્રુટીઓ છે, જે વેપારી માટે મુશ્કેલીજનક છે. તેથી તેમાં સુધારો કરવાની પણ માગણી કરી છે.