ખાદ્ય તેલના ભાવને નિયંત્રણમાં લાવવા કેન્દ્રએ લીધા આ પગલાઃવેપારીઓમાં નારાજગી; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022

શનિવાર.
વધતી મોંઘવારીથી ત્રાસી ગયેલા સામાન્ય નાગરિકોને  રાહત આપવા માટે કેન્દ્રએ મહત્વના પગલાં લીધા છે, જે હેઠળ ખાદ્યતેલની વધતી કિંમતોને કાબુમાં લેવા પ્રયાસો શરૂ કર્યા છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ અને તેલીબિયાં પરના સ્ટોકને મર્યાદિત કરતો આદેશ જારી કર્યો છે. આ નિર્ણયથી સંગ્રહખોરી અને કાળા બજાર પર અંકુશ લાવવામાં સફળતા મળશે એવો દાવો મંત્રાલયે કર્યો છે.

ઓક્ટોબર 2021માં ગ્રાહક બાબતોના મંત્રાલયે માર્ચ 2022 સુધી સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય લીધો હતો. ઉપલબ્ધ અનામત અને વપરાશના આધારે ખાદ્ય તેલના ભંડારને મર્યાદિત કરવાનો નિર્ણય કેટલાક રાજ્યોને સોંપવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને બિહાર રાજ્યોએ તેમના રાજ્યોમાં ખાદ્ય તેલના સંગ્રહ પર મર્યાદા લાદી હતી.

હવે, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય મુજબ, રિટેલરો માટે સ્ટોક મર્યાદા ખાદ્યતેલ માટે 30 ક્વિન્ટલ, જથ્થાબંધ વિક્રેતાઓ માટે 500 ક્વિન્ટલ, મોટા ચેઈન રિટેલર્સ અને દુકાનો (સુપરમાર્કેટ ચેન, મોલ્સ વગેરે) માટે 30 ક્વિન્ટલ, 1000 ક્વિન્ટલ તેમના ડેપો માટે રહેશે.

શું ઇંધણના ભાવ ફરી ભડકે બળશે? બે મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવમાં આટલા ટકાનો ઉછાળો, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં આટલી કિંમત છે પ્રતિ બેરલ તેલની..

ખાદ્ય તેલીબિયાં માટેની મર્યાદા નિયમો મુજબ, સ્ટોક રિટેલરો માટે 100 ક્વિન્ટલ અને જથ્થાબંધ વેપારીઓ માટે 2000 ક્વિન્ટલનો રહેશે. ખાદ્ય તેલ અને તેલીબિયાંના પ્રોસેસર્સ દૈનિક ઇનપુટ આઉટપુટ ક્ષમતા અનુસાર ખાદ્ય તેલને 90 દિવસ સુધી સંગ્રહિત કરી શકશે એવું ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે.

ખાદ્ય તેલ અને તેલીબિયાં પર સ્ટોક લિમિટ લાદવાનો નિર્ણય અમુક શરતો સાથે નિકાસકારો અને આયાતકારોને બાકાત રાખવામાં આવ્યા છે.

ગયા મહિને, સરકારે કહ્યું હતું કે ખાદ્યતેલના ભાવમાં પ્રતિ લિટર 5 થી 20 રૂપિયાનો ઘટાડો થયો છે. અધિકારીઓએ દાવો કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઊંચી હોવા છતાં સરકારના પ્રયાસોથી ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થયો નથી.

ભારત ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર છે. સ્થાનિક ઉત્પાદન સ્થાનિક માંગને સંતોષી શકતા નથી. તે દેશની કુલ ખાદ્યતેલ વપરાશ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત કરવામાં આવે છે. લગભગ 56-60 ટકા માંગ પૂરી થાય છે.

સરકારના આ  આદેશ સામે જોકે ખાદ્યતેલ સાથે જોડાયેલા વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અખિલ ભારતીય ખાદ્ય વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના મહાનગર મુંબઈ પ્રાંતના અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે રાજ્ય સરકારને આદેશ આપવાને બદલે જાતે સ્ટોક મર્યાદા નક્કી કરીને તેને લગતો આદેશ બહાર પાડ્યો છે. તેનાથી તેલ અને તેલિબીયા બજારમાં ખળભળાટા મચી ગયો છે. 65ટકાથી વધુ ખાદ્ય તેલ આયાત થાય છે, એવામાં સરકાર સ્ટોક સીમા રાજ્ય સરકાર સાથે ચર્ચા કર્યા વગર જાહેર કરે છે, તેનાથી જે રાજ્યોમાં સરસવનો પાક બજારમાં આવવાનો સમય થયો છે ત્યાં સ્ટોક સીમા લાદવાથી વેપારીઓ અને ખેડૂતો માલ ખરીદી નહીં શકે અને ખેડૂતોને માલ વેચવા દર-દર ભટકવું પડશે અને વેપારીઓને ફરી હેરાન થવું પડશે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment