ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ, 2021
ગુરુવાર
કોરોના મહામારીને લીધે થયેલા આર્થિક નુકસાનમાંથી હજી બેઠા થયા નથી, ત્યાં કેન્દ્ર સરકારે દાળ અને કઠોળ પર સ્ટૉક લિમિટનો નિર્ણય લીધો છે, એનાથી વેપારી વર્ગમાં ભારે અસંતોષ ફેલાયો છે. નારાજ વેપારીઓ સરકારના આ નિર્ણય સામે શુક્રવાર ૧૬ જુલાઈના રોજ એક દિવસ APMCમાં દાણાબંદર બંધ રાખવાનાછે. શુક્રવારની આ પ્રતિકાત્મક હડતાળમાં વેપારીઓની સાથે જ દલાલભાઈઓ, ગુમાસ્તા અને દાણાબજાર સાથે જોડાયેલા અન્ય લોકો પણ જોડાવાના છે.
શુક્રવારની હડતાળ બાબતે ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઑફ ટ્રેડના ચૅરમૅન મોહન ગુરનાનીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “APMC ની દાણાબજાર સહિત મહારાષ્ટ્રના બીજા વેપારી સંગઠનોએ ૧૬ જુલાઈથી શરૂ થતા સંસદના સત્રના દિવસે એક દિવસનો બંધ પાળવાના છે. સ્ટૉક લિમિટ ત્યારે લાદવામાં આવે છે જ્યારે માર્કેટમાં ભાવવધારો હોય, પરંતુ હાલ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) કરતાં પણ ભાવ ઓછા છે. આવામાં આ સ્ટૉક લિમિટ નાખવી ભ્રષ્ટાચારને આમંત્રી રહી છે. સરકારની આવી દમનભરી નીતિ સામે શુક્રવારે APMC બજાર સહિત મહારાષ્ટ્રનાં અન્ય વેપારી સંગઠનો એક દિવસની હડતાળ કરવાના છે.
ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલ સીડ્સ મર્ચન્ટ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ શરદ મારુએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “શુક્રવારે દાણાબજારના 5,000થી પણ વધુ વેપારી, દલાલભાઈઓ, ગુમાસ્તા, ટ્રાન્સપૉર્ટ સાથે જોડાયેલા લોકો એક દિવસ બંધ પાળવાના છે. એક દિવસની અમારી આ હડતાળથી અમે સરકારને અમારી તકલીફોની જાણ કરવા માગીએ છે. સરકારે હજી ગયા વર્ષે મુક્ત વ્યાપારને પ્રોત્સાહન આપવા સ્ટૉક લિમિટ હટાવી હતી. હવે ફરી આ નિયમ વેપારીઓ પર ઠોકી બેસાડવામાં આવ્યો છે. કોરોનાના કારણે પહેલેથી જ વેપારીઓને વેપાર-ધંધામાં ભારે નુકસાન થયું છે.’’