ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ, 2021
મંગળવાર
લૉકડાઉન અને મુંબઈ મહાનગરપાલિકા તથા મહારાષ્ટ્ર સરકાર દ્વારા સતત થઈ રહેલી ઉપેક્ષાથી વેપારીઓ કંટાળી ગયા છે અને હવે તેઓએ પોતાનું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. વેપારીઓએ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે.
ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ મિતેશ મોદીના જણાવ્યા પ્રમાણે રિટેલરો, હોલસેલરો તથા નાના-મોટા ધંધા કરનારા તમામ વેપારી વર્ગની હાલત ખરાબ છે. લાંબા સમયથી સરકારને રાહત આપવાની માગણી કરી રહ્યા છે, પરંતુ અમારી માગણી પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. આવી હાલતમાં હવે વેપારી આલમ પાસે એક જ ઉપાય છે, ચૂંટણીનો બહિષ્કાર. એટલુ જ નહીં પણ જે પૉલિટિકલ પાર્ટી હવે વેપારીઓના સમર્થનમાં આવશે એને જ વેપારીઓ પણ સાથ આપશે.
વેપારીઓ જો નક્કી કરી લેશે તો પછી સરકારે વિચારવાનું રહેશે. ભૂતકાળમાં લોકલ બૉડી ટૅક્સ( LBT) સમયે વેપારીઓને રંજાડનારી સરકારની શું હાલત થઈ હતી, એ સૌ કોઈ જાણે છે. એથી સરકાર ફરીથી વેપારીઓને મજબૂર ના કરે. વેપારીઓના અસ્તિત્વ સામે જોખમ આવી ગયું છે, હવે સરકાર જો કોઈ નિર્ણય નહીં લેશે તો તેમના પણ અસ્તિત્વ સામે જોખમ આવી શકે છે એવી ચેતવણી વેપારીઓએ સરકારને આપી હોવાનું કહેવાય છે.
