ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
મુંબઈના નાગદેવી વિસ્તારમાં જુદાં-જુદાં પાંચ વેપારી ઍસોસિયેશનની બનેલી નાગદેવી ઍક્શન કમિટીએ વેપારીઓને ત્યાં કામ કરનારા સ્ટાફથી લઈને માલની હેરફેર કરનારા હાથગાડીચાલકોને પણ મફતમાં વેક્સિન અપાવવાનો નિર્ણય લીધો છે.
કોરોનાને નિયંત્રણમાં લાવવા વેક્સિનેશન પર સરકાર ભાર આપી રહી છે, પરંતુ સરકારી અને પાલિકાની હૉસ્પિટલમાં વેક્સિન ઉપલ્બધ નથી, તો ખાનગી હૉસ્પિટલમાં મળતી મોંઘી વેક્સિન દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી, ત્યારે નાગદેવી ઍક્શન કમિટીનો નિર્ણય વખાણવા લાયક છે.
નાગદેવી ઍક્શન કમિટીના વાઇસ ચૅરમૅન તુષાર શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે મોટા ભાગના વેપારીઓએ તો કોવિડની વેક્સિન લઈ લીધી છે, પરંતુ તેમને ત્યાં કામ કરનારા કર્મચારી, માલસામાનની હેરફેર કરનારા કર્મચારીઓ, હાથગાડી ચલાવનારા જેવા સામાન્ય માણસો માટે મોંઘી વેક્સિન ખરીદવી શકય નથી. એથી નાગદેવી ઍક્શન કમિટીના નેજા હેઠળ જે લોકો વેક્સિન લઈ શક્યા નથી તેવા વેપારીઓ સહિત અન્ય લોકોને પણ વેક્સિન આપવાના છીએ. મુંબઈ મહાનગરપાલિકાને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. બહુ જલદી તેમની પાસેથી મંજૂરી મળવાની સાથે જ અમે વેક્સિનેશન ઝુંબેશ અમલમાં મૂકીશું.
અહીં ઉલ્લેખનીય છે કે પાંચ ઍસોસિયેશન મળીને નાગદેવી ઍક્શન કમિટી બની છે, જેમાં ધ ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશન, ધ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ સ્ટોર મર્ચન્ટ્સ ઍસોસિયેશન, ધ બૉમ્બે પાઇપ્સ ઍન્ડ ફિટિંગ્સ મર્ચન્ટ ઍસોસિયેશન, ધ મહારાષ્ટ્ર બેલ્ટ ઍન્ડ હોસીસ ટ્રેડર્સ ઍસોસિયેશન અને ધ બૉમ્બે બોલ્ટ્સ-નટ્સ મર્ચન્ટ્સ ઍસોસિયેશનનો સમાવેશ થાય છે.