ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 જૂન 2021
બુધવાર
કોરોના મહામારીને પગલે આર્થિક ફટકામાંથી હજી વેપારીઓ બહાર આવી શક્યા નથી. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના નવા-નવા નિયમોને કારણે તેમના વેપારને વધુ અસર થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાના ચોમાસું સત્રમાં કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું બિલ લાવવાનું પ્રસ્તાવિત કર્યું છે.
સરકારના આ પ્રસ્તાવિત બિલ સામે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. વેપારીઓના કહેવા મુજબ વિશ્વાસમાં લીધા વગર બિલ લાવ્યા તો આંદોલન કરીશું. નવી મુંબઈનાં વેપારી મંડળોના કહેવા મુજબ 2016માં મહારાષ્ટ્ર સરકારે મલ્ટિનૅશનલ કંપની, મૉલ્સ તથા સુપર માર્કેટને APMCના કાયદામાંથી છૂટ આપી છે. પછી હવે વેપારીઓ માટે આ કૃષિપેદાશ ખરીદી કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું કારણ શું? સરકારે કોઈ પણ કાયદો લાવતાં પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવા જ પડશે. અન્યથા વિરોધ કરવા આંદોલનનો જ માર્ગ અપનાવો પડશે.