ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.
પરાળી સળગાવતા ખેડૂતો સામે કેન્દ્ર સરકારે ગુનો નહીં નોંધીને માફીની જાહેરાત કરી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ કેન્દ્ર સરકાર સામે આ મુદ્દે સખત વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતોને કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. છતાં તેમને રાહત આપવામાં આવી રહી છે. તો બીજી તરફ હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, નાના કારખાના, નાના ઉદ્યોગો અને નાના કામદારોના દ્વારા નીકળતા કચરા અને પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે અને વેપારીઓ પાસેથી ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પરાળીથી કોઈ પ્રદૂષણ થતું નથી? સરકારનો આ તો કેવો ન્યાય? એવી નારાજગી વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. CAIT દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરવામાં આવી છે.
CAIT એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આ બેવડા ધોરણની સખત નિંદા કરી હતી અને બહાર પાડેલી પ્રેસ રીલીઝમાં કહ્યું હતું કે આ વેપારીઓ અને દેશના બંધારણ સાથે અન્યાય છે. આજીવિકા માટે સમાન અધિકારોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તાત્કાલિક વ્યવસ્થા કરવાથી પ્રદૂષણ ક્યારેય ઘટશે નહીં. પ્રદૂષણ ઘટાડવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવી જોઈએ અને તે પહેલાં પ્રદૂષણ ફેલાવતી તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા પણ રાષ્ટ્રીય નીતિમાં સામેલ કરવી જોઈએ.
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સરેરાશ 390 અને 400 ને વટાવી ગયો છે અને તેના માટે ખેડૂતો પણ મોટાભાગે જવાબદાર છે કારણ કે તેઓ ખેતરમાં રહેલી પરાળી સળગાવે છે. પ્રદૂષણ વધારવા માટે ખેડૂતોને જવાબદાર ગણીને તેમની સામે આકરી કાર્યવાહી કરવાને બદલે તેમની સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાની વાત થાય છે. તેમને કરાયેલા દંડને પણ માફ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. બીજી તરફ કોમર્શિયલ પ્રવૃતિઓ અને કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મૂકવો અને નજીવી બાબત પર ભારે દંડ વસૂલવો એ સરકારનું ભેદભાવપૂર્ણ વલણ દર્શાવે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે જો સરકાર ખેડૂતોને પરાળી સળગાવવા બદલ માફ કરી શકે છે તો વેપારીઓ સાથે ભેદભાવભર્યું વલણ શા માટે?
CAIT ના કહેવા મુજબ દેશના હિતમાં વેપારીઓ ક્યારેય પાછળ રહ્યા નથી રહ્યા. જો વ્યાપારી પ્રવૃત્તિઓથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે તો વેપારીઓએ પણ સંયમ રાખ્યો છે પરંતુ સરકાર ખુલ્લેઆમ ભેદભાવ કરી રહી છે. વેપારીઓના અસ્તિત્વ પર સવાલો ઉભા કરે છે. એ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી કે સરકારનો આ નિર્ણય ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, તેથી દેશના ઉદ્યોગપતિ ચૂપ નહીં રહે અને આવનારી ચૂંટણીમાં વેપારી પણ પોતાની સાથે થઈ રહેલા અન્યાયનો જવાબ આપશે.