ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
અમેરિકામાં રાહત પેકેજ પર થઈ રહેલી સહમતિની અસર ભારતીય શૅર બજાર અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. બે દિવસના ઘટાડા બાદ સ્થાનિક વાયદા બજાર MCX પર સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. આજે પ્રારંભિક કારોબારમાં MCX પર સોનું વાયદો 0.27 ટકા વધીને 51,047 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું, જ્યારે ચાંદી વાયદામાં 0.6 ટકા વધીને 63,505 રૂપિયા પ્રતિ કિલગ્રામ પર પહોંચી ગયું. ગત સત્રમાં સોનું 0.45 ટકા ચઢ્યું હતું જ્યારે ચાંદી 1.6 ટકા ઉછળ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન ભારતમાં સોનુ મોંઘું થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 0.3 ટકા વધીને 1,912.11 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું, જ્યારે ચાંદી 0.7 ટકા વધીને 24.82 ડૉલર પ્રતિ ઔંસ અને પ્લેટિનમ 0.3 ટકા વધીને 873.89 ડૉલર પર પહોંચી ગયું. તેના કારણે માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક બજારમાં પણ સોનાનો ભાવ વધી શકે છે. મંગળવારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ચાંદી 1126 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સસ્તી થઈને 62,189 રૂપિયા પ્રતિ કિલો ’ગ્રામ પર આવી ગઈ. જ્યારે સોમવારે ચાંદીનો ભાવ 63,315 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
નિષ્ણાતોનું કહેવું છે કે તહેવારોની સીઝન હોવાના કારણે દેશમાં સોના-ચાંદીની હાજર માંગ વધી છે, વિદેશી બજારમાં પણ સોનાના ભાવ ચઢશે અને ત્યાં સોનાનો ભાવ 1950 ડૉલર અને ચાંદીનો ભાવ 26.50 ડૉલર પ્રતિ ઔંસના સ્તર પર જોવા મળી શકે છે.
