News Continuous Bureau | Mumbai
Cheapest Silver in the World ભારતીય બજારમાં અત્યારે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. 9 જાન્યુઆરી, 2026ના રોજ ભારતમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,54,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારી અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો હવે ચાંદીને એક સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે. જોકે, નવાઈની વાત એ છે કે દુનિયાના કેટલાક દેશોમાં આજે પણ ચાંદી ભારતના ભાવ કરતા ઘણી સસ્તી મળી રહી છે.
ચિલી અને રશિયામાં ચાંદીના ભાવ સૌથી ઓછા
વિશ્વમાં ચાંદીના સૌથી સસ્તા ભાવની વાત કરીએ તો દક્ષિણ અમેરિકાનો દેશ ચિલી આ યાદીમાં પ્રથમ ક્રમે આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ચિલીમાં ચાંદીનો ભાવ ભારત કરતા પ્રતિ કિલો ₹30,000 થી ₹40,000 ઓછો છે. આનું મુખ્ય કારણ એ છે કે ચિલી વિશ્વમાં ચાંદીના ઉત્પાદનનું મોટું કેન્દ્ર છે. બીજા ક્રમે રશિયા આવે છે, જ્યાં ચાંદી ભારત કરતા અંદાજે ₹20,000 થી ₹30,000 સસ્તી મળે છે. રશિયા પાસે ચાંદીનો મોટો ભંડાર હોવાથી ત્યાં સ્થાનિક ભાવ નીચા રહે છે.
ચીનમાં પણ ભારત કરતા સસ્તા દરે મળે છે ચાંદી
આ યાદીમાં ત્રીજા સ્થાને ચીન આવે છે. ચીન ચાંદીનો મોટો ઉત્પાદક હોવાની સાથે સાથે તેનો સૌથી મોટો વપરાશકર્તા પણ છે. ત્યાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો અંદાજે ₹2,21,000 ની આસપાસ છે, જે ભારતના ₹2.54 લાખના ભાવ કરતા ઘણો ઓછો છે. સ્થાનિક ઉત્પાદન અને ઓછો ટેક્સ ચીનમાં ચાંદી સસ્તી હોવાનું મુખ્ય કારણ છે. ભારત આ યાદીમાં ચોથા ક્રમે આવે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ અને મેક્સિકો જેવા દેશોનો નંબર લાગે છે.
આ સમાચાર પણ વાંચો : India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
ભારતમાં ચાંદી કેમ મોંઘી થઈ રહી છે?
ભારતમાં ચાંદીના ભાવ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ડોલરની મજબૂતી અને આયાત શુલ્ક ભારતમાં ચાંદીને મોંઘી બનાવે છે. આ ઉપરાંત, ઔદ્યોગિક માંગ ખાસ કરીને સોલાર પેનલ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ચાંદીનો વપરાશ વધ્યો છે. નિષ્ણાતોના મતે, વર્ષ 2026માં ચાંદીના ભાવમાં વધુ અસ્થિરતા જોવા મળી શકે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધશે તો ભારતમાં ભાવ ₹3 લાખ પ્રતિ કિલો સુધી પણ પહોંચી શકે છે.
