News Continuous Bureau | Mumbai
Ahmedabad : અમદાવાદ જાણે અકસ્માતનગરી બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા અમુક દિવસોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હચમચાવી દેનારા તથ્યકાંડ બાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ પહેલા જ એક યુવકે દારૂના નશામાં પૂરઝડપે કાર ચલાવી ઝાડના થડ સાથે અથડાવી હતી, જેથી તેની કાર પલટી મારી હતી. આ અક્સમાતમાં ઝાડ પાસેના બાંકડા પર બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ પોલીસે નશામાં ધૂત યુવકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ હવે ફરી એકવાર મણિનગરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. પોલીસ જવાનને રિક્ષાચાલકે અડફેટે લેતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ જવાનને રિક્ષાચાલકે અડફેટે લીધા
અમદાવાદના મણિનગરમાં પોલીસ જવાન પર રિક્ષા ચઢાવી દેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, 55 વર્ષીય રાજેન્દ્ર વસંતભાઈ પટેલ જે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, વહેલી સવારે પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા. ત્યારે અચાનક એક રિક્ષાચાલકે તેમણે અડફેટે લીધા હતા. રિક્ષાની ટક્કરથી રાજેન્દ્રભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાના કારણે તેમણે એલજી હોસ્પિટલમાં જ્યાર બાદ સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ સમાચાર પણ વાંચો : Manipur Violnce : મણિપુરના મોરેહમાં ટોળાએ ઘરોમાં આગ લગાવી, સુરક્ષા દળોની બસોને પણ નિશાન બનાવી
રિક્ષાચાલકની ધરપકડ, રિક્ષા જપ્ત કરાઈ
આ ઘટનાની જાણ થતા વહેલી સવારે મણિનગર પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે રિક્ષાચાલકની રિક્ષા જપ્ત કરી તેની અટકાયત કરવામાં આવી હતી. પુછપરછમાં રિક્ષાચાલકનું નામ પરેશ દરજી હોવાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.