News Continuous Bureau | Mumbai
- પનીરના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર
- દ્વારકેશ ડેરી પ્રોડક્ટસ, અમદાવાદ ખાતેથી પનીરની સાથે ભેળસેળ માટે વપરાતું પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યાં
- તંત્રની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ દ્વારા કરવામાં આવેલ દરોડામાં સ્થળ પરથી કુલ 3 (ત્રણ) નમૂના લેવામાં આવ્યા
- બાકીનો કુલ 1500 કિગ્રાનો જથ્થો કે જેની કિંમત રૂ. 3.15 લાખ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરવામાં આવ્યો
Ahmedabad: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્ક્વોડને મળેલ ખાનગી બાતમીને આધારે તા: ૦૪-૦૨-૨૦૨૫ નાં રોજ મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, ૩૨૨૨, આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Karate competition: જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું, આટલા વિદ્યાર્થીઓને મળ્યું મેડલ
Ahmedabad: મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, અમદાવાદ ખાતે તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતા હતા અને સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર શ્રી જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી, એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો ૦૧, પામોલીન ઓઈલનો ૦૧ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો ૦૧ એમ કુલ – ૦૩ (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે થઈને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા થનાર ઉપરોકત રેડથી ભેળસેળયુકત પનીર બનાવી જાહેર જનતાને પનીર તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed