News Continuous Bureau | Mumbai
- એક બહેનનો કરુણામય નિર્ણય…!
- બ્રેઇન ડેડ ભાઇના અંગદાન થી અનેક ને નવજીવન
- “મારો ભાઈ હવે પાછો નહી આવે પરંતુ જો તેના અંગો બીજા કોઇ ની જીંદગી બચાવી શકે તો એ જ તેને સાચી શ્રદ્ધાંજલિ છે.” – બ્રેઇન ડેડ જય ના બહેન મીનલ પટેલ
- સિવિલ હોસ્પિટલમાં વધુ એક અંગદાન થતાં કુલ અંગદાનની સંખ્યા 210 થઈ, છેલ્લા 36 કલાક માં ત્રણ અંગદાન થયા
- સિવિલ હોસ્પીટલ માં થયેલ થયેલ 210 માં અંગદાન થી બે કીડની, એક લીવર, એક સ્વાદુપિંડ તેમજ બે આંખો નુ દાન મળ્યુ
છેલ્લા 36 કલાકમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં કુલ ત્રણ અંગદાન થયા છે. જેમાં પ્રથમ 11 કલાકમાં બે અંગદાન થયા બાદ બીજા 24 કલાકના સમયગાળામાં ત્રીજું અંગદાન થતાં ૩૬ કલાકના સમયગાળામાં કુલ ત્રણ અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે એક હૃદયસ્પર્શી ઘટના બની હતી. બે બહેનો ના એક ના એક ભાઇ એવા 25 વર્ષીય જય વિપુલભાઇ પટેલને અકસ્માત થતા બ્રેઈન ડેડ જાહેર કરાયા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ સમયે તેના બહેન મીનલબેને અદભૂત સાહસ સાથે ભાઈના અંગદાનનો નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયથી જય ની બે કિડની,લીવર અને સ્વાદુપિંડ એમ ચાર અંગો દ્વારા ચાર દર્દીઓને નવી જિંદગી મળશે.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી એ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગામ વહેલાલ દસકોઈ તાલુકાના 25 વર્ષીય જય વિપુલભાઈ પટેલ રણુંજા દર્શન કરવા ગયા હતા ત્યાંથી જોધપુર તરફ જતા અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ જોધપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ નિકોલ, અમદાવાદ ખાતે હાર્મની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા . જ્યાં સારવાર દરમિયાન ડોક્ટર પરેશ ગોહિલને જય બ્રેઇન ડેડ હોય તેવું જણાતા તેમણે પરીવારજનો ને વાત કરી હતી. જય ના પરીવારજનો પ્રાથમિક દ્રષ્ટી એ તમામ બાબત સમજતા તેમણે સિવિલ હોસ્પિટલ અમદાવાદ નો સંપર્ક કર્યો હતો અને તારીખ 29 ની રાત્રે 12 વાગ્યે જય ને સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં તમામ જરુરી ટેસ્ટ બાદ તારીખ 30.8.25 ના રોજ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે જય ને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.”
આ સમાચાર પણ વાંચો : Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલ ની અંગદાન ટીમ ના ડોક્ટર મોહીત ચંપાવત દ્વારા જય ના બહેન, કાકા તેમજ પિતા ને જય ની બ્રેઇન ડેડ પરીસ્થિતિ તથા અંગદાન વિશે વિગતે સમજણ આપી હતી. જેના પરીણામે બ્રેઇન ડેડ એટલે શુ અને અંગદાન કેમ કરવુ જોઇએ તેના વિશે ની બધી જ શંકાઓ તેમજ સવાલો બાબતે સંપુર્ણ સંતોષ થતા તેઓ ની અંગદાન કરવાની ઇચ્છા આખરે અંગદાન કરવાના નિર્ણય માં પરીણમી હતી.
જય ના બે બહેનો હીનલબેન તેમજ મીનલબેને આંખો માં આંસુ સાથે એક નિસ્વાર્થ નિર્ણય લઇ ભાઇ ના અંગો નુ દાન કરવાનો અદભુત નિર્ણય લીધો હતો. સાથે પિતા વિપુલ ભાઇ તેમજ કાકા કૌશીકભાઇ ને પણ સમજાવતા તેઓએ પણ પોતાના વ્હાલસોયા દીકરા જય ના અંગોનું દાન કરી બીજા કોઈને નવજીવન આપી તેમાં પોતાના પુત્રને જીવંત રાખવા નો નિર્ણય કર્યો હતો.
જયના અંગદાનથી બે કિડની, એક લીવર, એક સ્વાદુપિંડનું તેમજ બે આંખો નુ દાન મળ્યું હતું. આ અંગદાન થી મળેલ બે કિડની, એક લીવર અને એક સ્વાદુપિંડ ને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તથા મળેલ આંખો ના દાન ને એમ એન્ડ જે આઇ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતુ તેમ ડોક્ટર જોશી એ જણાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 384- કિડની, 185- લીવર, 68- હ્રદય, 34- ફેફસા , 17- સ્વાદુપિંડ , બે નાના આંતરડા, 23 સ્કીન અને 144 આંખોનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 696 અંગોનું દાન મળેલ છે. જેના થકી 674 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.