News Continuous Bureau | Mumbai
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળ પર સફાઈ અભિયાન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જેની આજથી શરૂઆત થઈ છે. શનિવારથી રાજ્યના 24 ધર્મસ્થળમાં સફાઈ અભિયાન શરૂ કરાયો છે.
રાજકોટમાં સીએમ, સુરતમાં પાટીલે અભિયાનનો પ્રારંભ કર્યો
આજે વહેલી સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના નેતાઓએ રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતેથી હાથમાં ઝાડુ લઈ મંદિરના પટાંગણમાં સફાઈ કરી આ સફાઈ અભિયાનની શરૂઆત કરી છે. આ પછી અટલ બિહારી ઓડિટોરિયમ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાના છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરત ખાતે આવેલ અંબિકા નિકેતન કે જેને મોટા અંબાજી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં હાથમાં ઝાડુ લઈ સાફ-સફાઈ કરી સફાઈ મહાઅભિયાનની શરૂઆત કરી છે.
આ સમાચાર પણ વાંચો:પરશુરામ જયંતિ: પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના આ નેતાઓએ આપી શુભેચ્છાઓ
નગરદેવી ભદ્રકાળી મંદિરમાં હર્ષ સંઘવી કરી સફાઈ
જ્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદના જૂના અને જાણીતા નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે વહેલી સવારે જ પહોંચી ગયા હતા અને મંદિરના પરિસરમાં સફાઈ કરી હતી. હર્ષ સંઘવીએ સારવણીથી મંદિરના પરિસરમાં સફાઈ કરી હતી. દરમિયાન શહેરના મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, નેતાઓ અને ભાજપના કોર્પોરેટરો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉપરાંત, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ છે. આમ રાજ્યના કુલ 24 ધર્મિક સ્થળો પર સફાઈ અભિયાની શરૂઆત થઈ છે. પ્રથમ તબક્કામાં 24 અને ત્યાર બાદ દર ત્રીજા રવિવારના રોજ અલગ-અલગ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરાશે.