News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections 2024 :
- ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા નિરમા યુનિ.ના યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ
- અમદાવાદમાં ‘નિરમા યુનિવર્સિટી’ ખાતે ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
- જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગથી યુવા મતદારો માટે નવા મતદાન કાર્ડ બનાવવા માટે કેમ્પનું કરાયું આયોજન
યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ‘મતદાન જાગૃતિ’ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની નિરમા યુનિવર્સિટી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે ‘મતદાન જાગૃતિ’ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ સમાચાર પણ વાંચો : Mukhtar Ansari death: મુખ્તાર અન્સારીના મોત પર ઉઠ્યા સવાલો, આ લોકો સામે FIRની માંગ, કોર્ટમાં આપી અરજી
આ પ્રસંગે ખાસ અમદાવાદ ચૂંટણી તંત્રના સહયોગથી NSS યુનિટ દ્વારા નવા મતદારો માટે મતદાન કાર્ડ બનાવવા માટે એક કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 200થી પણ વધુ યુવાનોએ મતદાન કાર્ડ બનાવવા કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.
આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.