મુંબઈ બાદ હવે અમદાવાદના ફળ બજારમાં પણ કેરીનું આગમન થઈ ગયું છે. જે લોકો કેરી ખાવાના રસિયા છે તેઓ હવે કેરીનો આનંદ માણી શકશે. ફળોના રાજા ગણાતી કેરીનું બજારમાં આગમન થયું અને એ સાથે જ અમદાવાદના ફળ બજારમાં કેરીઓએ સ્થાન જમાવી લીધું છે.
કેરીના મોર આંબા પર ઝુલવા લાગ્યા છે. કેસર કેરી બજારમાં આવે તે પહેલા અમદાવાદના ફળ બજારમાં અન્ય રાજ્યોની કેરીની આવક શરૂ થઈ ગઈ છે. મળતી વિગતો મુજબ અત્યારે અમદાવાદના ફળ બજારમાં કેરલની રત્નાગીરી, હાફુસ કેરી આવી છે. જો કે, આ વખતે કેરીની સીઝન 15થી 20 દિવસ મોડી છે. હજુ સિઝનની શરૂઆત હોવાથી કેરી મોંઘી છે. કેરલની હાફૂસ 1000 રૂપિયે ડઝન વેચાઈ રહી છે
ફળ બજારના વેપારીઓનું કહેવું છે કે, 15 ફેબ્રુઆરી દરમિયાન કેરલ અને રત્નાગિરિનો 15થી 20 ટકા પાક આવે છે. જોકે આ વખતે અત્યારે 10 ટકા માલ આવ્યો છે. જ્યારે માર્ચમાં આંધ્ર તમિલનાડુથી અને ત્યારબાદ ગુજરાત અને ઉત્તર પ્રદેશથી લંગડો દશેરી કેરી આવશે. કેરીની આવક ધીમે ધીમે વધતા ભાવમાં થોડો ઘટાડો થશે. આ વર્ષે કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.