News Continuous Bureau | Mumbai
181 Abhayam Women Helpline :
- અભયમ ટીમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં છોકરીનો મિત્ર પોતાની વાતથી ફરી ગયો, છોકરીને ઓળખતો જ ન હોવાનો કર્યો દાવો
- છોકરીને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું ભાન થતાં માતા-પિતાની માફી માગી
- છોકરીને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન પૂરું પાડી અભયમ ટીમ લાવી સમસ્યાનો ઉકેલ
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી એક યુવકનો 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનાર યુવાને ખૂબ જ મૂંઝવણ સાથે જણાવ્યું કે, તેની બહેન તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગે છે અને તેવું નહીં થાય તો પોતે આત્મહત્યા કરી લેશે, એવું કહે છે.
આ વ્યક્તિની બહેનની ઉંમર વર્ષ 17 વર્ષ છે અને તેની સગાઈ નક્કી કરવામાં આવી છે. સગાઈનો પ્રસંગ આવતો હોવાથી તેની માટે વસ્તુઓની ખરીદી કરવાની તૈયારી કરતા તેમને જાણવા મળ્યું હતું કે, તેને એક બોયફ્રેન્ડ છે, જેની ઉંમર વર્ષ 19 છે. છોકરી તેના મિત્ર સાથે સ્નેપચેટ એપ્લિકેશનના માધ્યમથી છેલ્લા ત્રણ મહિનાથી સંપર્કમાં હતી. વ્યક્તિની બહેનને તેનો પુરુષ મિત્ર લગ્નના સપના બતાવી લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો. છોકરી પણ આ છોકરા સાથે જ લગ્ન કરવા માગતી હોવાથી ઘરમાં દબાણ ઊભું કરીને, માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવાની ધમકી આપી રહી હતી. “લગ્ન કરીશ તો મારા બોયફ્રેન્ડ સાથે જ કરીશ અને સામાજિક રીતે તમે પસંદ કરેલા છોકરા સાથે નહીં જ કરું!” એમ કહીને આ વ્યક્તિની 17 વર્ષની બહેન તેના માતા-પિતા અને ભાઈ-ભાભીને દબાણ કરી રહી હતી.
181 અભયમની ટીમ સ્થળ પર પહોંચીને 17 વર્ષની આ છોકરી સાથે વાતચીત કરીને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. આ છોકરી સાથે વાતચીત કર્યા બાદ અભયમની ટીમને જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાના સંપર્કમાં આ છોકરીને તેના મિત્ર સાથે એટલો પ્રેમ થઈ ગયો કે તેની સાથે જ લગ્ન કરવા માગતી હતી. વધુ પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે, તેના મિત્રને ભૂતકાળમાં તેના સગા મામી સાથે જ આડા સંબધો હતા. આ કારણસર તેના મામાએ આત્મહત્યા કરી લીધી હતી.
આ છોકરીના માતા-પિતાએ તેની દીકરીને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો કે, તેનો મિત્ર સારો વ્યક્તિ નથી અને તેની સાથે લગ્ન ન કરવા જોઈએ. છોકરીને સમજાવવાના સમય દરમિયાન તેની માટે એક સારા છોકરાનું માંગું આવતાં તેના માતા- પિતાએ તેની સગાઈ આ છોકરા સાથે નક્કી કરી નાખી હતી. પહેલા તો આ છોકરી સગાઈ માટે તૈયાર થઈ હતી પરંતુ સગાઈની તૈયારીઓ દરમિયાન તેણે પોતાના મિત્ર સાથે જ લગ્ન કરવાની ઈચ્છા રાખી; તેમ નહીં થાય તો આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Gujarat Devotee : શ્રદ્ધાળુઓની સાથે ગુજરાત સરકાર: છેલ્લા 3 વર્ષમાં Rs 9.86 કરોડથી વધુના ખર્ચે 66 હજારથી વધુ શ્રદ્ધાળુઓને કરાવી તીર્થયાત્રા
181 અભયમની ટીમે છોકરીના કાઉન્સેલિંગ બાદ તેને સારા અને ખરાબની સમજણ પૂરી પાડી હતી. તેમણે તેના મિત્ર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ટેલિફોનિક વાતચીત દરમિયાન તેનો મિત્ર પોતાની વાતથી ફરી ગયો હતો અને આ છોકરીને ઓળખતો જ નથી અને તેની સાથે તેને કોઈ સંપર્ક જ નથી તથા આ છોકરી તેને એકતરફી પ્રેમ કરતો હોવાની રજૂઆત કરતા જ તમામ હકીકત છોકરી સામે ખુલ્લી પડી ગઈ હતી.
17 વર્ષની આ છોકરીને પોતે ખોટા રસ્તે જઈ રહી હોવાનું ભાન થયું હતું. તેણે પોતાના માતા પિતાની માફી માગી હતી અને ફરીથી આવી રીતે કોઈ છોકરા પાછળ પોતાનો કીમતી સમય નહીં બગાડે અને માતા-પિતાને હેરાન નહીં કરે, તથા તે સામાજિક રીતે પસંદ કરેલા છોકરા સાથે સગાઈ કરશે તેવી બાંહેધરી આપી હતી.
અભયમ ટીમની મધ્યસ્થી બાદ આ 17 વર્ષની દીકરીના માતા-પિતા અને ભાઈ- ભાભીએ સંતોષની લાગણી અનુભવી હતી. પોતાની દીકરીને યોગ્ય સલાહ, સૂચન અને માર્ગદર્શન પૂરું પાડવા બદલ તેમણે 181 મહિલા હેલ્પલાઈનનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
181 અભયમ હેલ્પલાઈન દરેક ઉંમરની મહિલાઓના જીવનમાં આવેલી સમસ્યાઓના ઉપાયો શોધવામાં મદદરૂપ બને છે. મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત અભયમ ટીમનું કામ સરાહનીય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.