News Continuous Bureau | Mumbai
PM Awas Yojana : કેન્દ્ર સરકાર દ્વારા ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળી રહે તે હેતુથી આવાસ પ્લસ-2.0 સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ 9 તાલુકાની 395 ગ્રામ પંચાયતોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોતીકું મકાન પૂરું પાડી શકાય એ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 12855 લાભાર્થીનું સર્વેક્ષણ કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી સહિત તાલુકા કક્ષાના અધિકારી, કર્મચારી જેમકે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ટેક્નિકલ કર્મચારી, આઈઆરડી તેમજ તાલુકા પંચાયતના અધિકારી/કર્મચારીને પણ સર્વેક્ષણની કામગીરી સોંપી હતી. જેમાં સૌપ્રથમ જે સર્વેયર સર્વે કરનાર છે, તેનું આવાસ સોફ્ટમાં મેપિંગ થાય છે. જે બાદ સર્વેયર આવાસ પ્લસ 2.0 એપ્લિકેશનમાં પોતાનું આધાર કાર્ડ નાખીને ફેસ કેવાયસી કરે છે. ત્યારબાદ સૌપ્રથમ અરજદાર અને તેમના રેશનકાર્ડમાં જેના નામ છે, તેની એન્ટ્રી કરવામાં આવે છે. જેમાં અરજદાર અને તેમના કુટુંબીજનનાં નામ, આધારકાર્ડ નંબર, જોબકાર્ડ નંબર, મોબાઈલ નંબર, શિક્ષણ, વ્યવસાય, પરિવારના સભ્યો, બીમારીની વિગત, વાર્ષિક આવક સહિતની વિગતો ઉમેરવામાં આવે છે
રેશનકાર્ડમાં દર્શાવેલા તમામ સભ્યોની વિગતો જણાવવાની રહે છે. મૂળ અરજદારની પસંદગી માટે મહિલા અરજદારને પસંદ કરી તેમનું ફેસ કેવાયસી કરાયું હતું. બાદમાં અરજદારના બેંક ખાતા વિગત, ઘરની માલિકીનો હક્ક, આવકનો સ્રોત વગેરે જેવી માહિતી અપલોડ કરી હતી. જે જગ્યાએ રહે છે અને જે જગ્યાએ મકાન બનાવવાનું છે તેનું જીઓ ટેગિંગ કરાયું હતું. જે અપલોડ થયેથી જે તે અરજદારનો સર્વે પૂર્ણ થયો ગણાય છે.
આ સમાચાર પણ વાંચો : Surat RTO : સુરત આરટીઓ દ્વારા M/Cycleનાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 TSનું ઈ-હરાજી થશે
આ અંતર્ગત બાવળા તાલુકામાં 48 ગ્રામ પંચાયત અને 555 ઘરોનો સર્વે કરાયો હતો. દસ્ક્રોઇ તાલુકામાં 30 ગ્રામ પંચાયત અને 1175 ઘરોનો સર્વે કરાયો હતો. દેત્રોજ તાલુકામાં 46 ગ્રામ પંચાયત અને 2473 ઘરોનો સર્વે કરાયો હતો. ધંધુકા તાલુકામાં 38 ગ્રામ પંચાયત અને 915 ઘરોનો સર્વે કરાયો હતો. ધોલેરા તાલુકામાં 31 ગ્રામ પંચાયત અને 1406 ઘરોનો સર્વે કરાયો હતો. ધોળકા તાલુકામાં 64 ગ્રામ પંચાયત અને 1104 ઘરોનો સર્વે કરાયો હતો. માંડલ તાલુકામાં 36 ગ્રામ પંચાયત અને 1485 ઘરોનો સર્વે કરાયો હતો. સાણંદ તાલુકામાં 38 ગ્રામ પંચાયત અને 824 ઘરોનો સર્વે કરાયો હતો. વિરમગામ તાલુકામાં 64 ગ્રામ પંચાયત અને 2918 ઘરોનો સર્વે કરાયો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.