News Continuous Bureau | Mumbai
Amit Shah Gandhinagar Conference: દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની 14મી નેશનલ કોન્ફરન્સનું આયોજન 22 અને 23 ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક ઘટના પણ છે કારણ કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસની આ મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સ ૧૯ વર્ષ પછી યોજાવા જઈ રહી છે અને તે પણ પ્રથમ વખત ગુજરાતમાં અને પાટનગર ગાંધીનગરમાં.
દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત અને સલામત ભારતનું સ્વપ્ન સાકાર કરવા આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ( Amit Shah Gandhinagar Conference ) કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રના ઘણા મહાનુભાવો પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ બંને દળોના IAS, GAS, DG, ADG, IG, DIG, SP સહિત રેન્કના ૬૦ થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને દળના ૧૨૦૦ થી વધુ માનદ સભ્યો ખાસ ભાગ લેવા આવશે.
નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોના વડાઓની આ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યત્વે ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ-૨૦૨૪ અને મોડલ હોમગાર્ડ બિલ અને નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોની નીતિઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન કામગીરીના માર્ગો અને માધ્યમો ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં આ બંને દળોની કામગીરીને ટેક્નોલોજી અને આધુનિકતાની મદદથી કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. પોલીસ તંત્રને કેવી રીતે મદદ કરી શકાય અને વધુ મજબૂત, કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય અને નાગરિક સંરક્ષણની સેવાઓને સુરક્ષિત કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે વધુ ચુસ્ત અને સારી બનાવી શકાય, તે સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-સૂચનો, રજૂઆતો, મૂલ્યાંકન અને રૂપરેખાનું કાર્ય હાથ ધરાશે. હાલ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે ૪,૫૦,૦૦૦ હોમગાર્ડ અને ૬,૦૦,૦૦૦ નાગરિક સંરક્ષણ ( Civil Defense ) દળના માનદ સભ્યો પોતાની સેવાઓ આપી રહ્યા છે.
તેમના રોજબરોજના વ્યસ્ત જીવનમાં તેમના મુખ્ય વ્યવસાય અથવા નોકરી ઉપરાંત, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યો દળમાં અથાક સેવા આપીને ખરેખર દેશની પ્રશંસનીય સેવા કરી રહ્યા છે. જે ખરેખર ખૂબ જ આદર અને પ્રશંસાને પાત્ર છે.
આ સમાચાર પણ વાંચો : National Water Awards 2023: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય જળ પુરસ્કાર કર્યા પ્રદાન, આ નવ કેટેગરીમાં આપવામાં આવ્યા એવોર્ડ. જુઓ ફોટોસ
કોવિડ-૧૯ ની વિશ્વવ્યાપી મહામારી જેવો કસોટીનો સમય હોય, તેમાં પણ નાગરિક સંરક્ષણ ( All India Civil Defense and Home Guards Conference ) અને હોમગાર્ડ દળના સભ્યોએ ડર અને ખચકાટ વિના તેમની નિઃસ્વાર્થ સેવાઓ આપી છે જેણે સમાજમાં પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે. દેશના આ દળના તમામ સભ્યોને કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, CPR પદ્ધતિ જેવી જીવન રક્ષક તાલીમ પણ તમામ સભ્યોને આપવામાં આવે છે જેના કારણે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યોએ ખેડા-નડિયાદ જિલ્લામાં એક વ્યક્તિને CPR આપી તેની જાન બચાવેલ. વધુમાં અમદાવાદ ખાતે દળના સભ્યોને પોતાની ફરજ દરમ્યાન એક લાવારીશ પર્સ (આશરે રૂ.૪૦,૦૦૦ ના દાગીના) તથા રૂપિયા સાથેની બેગ (આશરે રૂ.૧૮,૦૦૦) મળેલ હતી જેને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી ઈમાનદારી સાથે ફરજ નિભાવેલ છે. ગાંધીધામ ખાતે જીવના જોખમે એક નાસતા ભાગતા ગુનેગારને પકડી પોલીસની મદદ કરેલ હતી. તથા પુર જેવી હોનારત પરિસ્થિતિમાં સુરત અને વડોદરા ના સભ્યોએ જીવના જોખમે લોકોને મદદરૂપ થયેલ હતા અને મગર જેવા જોખમી પ્રાણીને પકડીને વન વિભાગને સોંપેલ હતો. કચ્છ-પશ્વિમ જિલ્લા ખાતે આગ લાગેલાની પરિસ્થિતિમાં પણ દળના સભ્યોએ કામગીરી કરેલ છે. આમ ખુબ જ પ્રશંસનીય કામગીરી દળના સભ્યો પોતાની સામાજીક ફરજ સમજી બજાવેલ છે.
જીવનના તમામ ક્ષેત્રો અને વ્યવસાયોના લોકો આ દળમાં તેમની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે જેમ કે, ડૉક્ટર, એન્જિનિયર, સુથાર, માળી અથવા તો સરકારી અધિકારી.
ગુજરાત ( Amit Shah ) રાજ્યના આશરે ૪૦ હજારથી વધુ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના ૧૧ હજારથી વધુ જવાનો આ કોન્ફરન્સને વંદે ગુજરાત ચેનલ દ્વારા લાઈવ નિહાળશે.
હાલમાં ૪૦,૦૦૦ થી વધુ હોમગાર્ડ ( Home Guards ) સભ્યો અને ૧૧,૦૦૦ નાગરિક સંરક્ષણ સભ્યો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સામાજિક સેવા, કુદરતી આફત અથવા કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે.
આ દળના તમામ સભ્યો નાગરિક સંરક્ષણના “ સર્વ ભુતે હિતે રત: ” અને હોમગાર્ડઝના “ નિષ્કામ સેવા ” ના મુખ્ય ધ્યેય અને ઉદ્દેશ્યને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ છે.
દેશના ઈતિહાસમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના સભ્યોની માનદ સેવાઓને ક્યારેય ભૂલી શકાશે નહીં. અને તેથી જ આ બે દિવસીય કોન્ફરન્સ દ્વારા આ બંને દળોને વધુ મજબૂત, કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra election 2024 : કોંગ્રેસે ભૂલોમાંથી શીખ્યો પાઠ, મહારાષ્ટ્રમાં નાના પટોલેને કર્યા સાઈડલાઈન… આ નેતાને સોંપી સીટ વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી કરવાની જવાબદારી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.