News Continuous Bureau | Mumbai
- એક વર્ષમાં કુલ 4793 નાગરિકો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા, ફરિયાદોના ઝડપી નિકાલ માટે ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ લાગુ
- મુખ્યમંત્રી કાર્યાલય ખાતે MP-MLA યુનિટ હેઠળ જાહેર વહીવટને લગતી 93% ફરિયાદોનો નિકાલ
Visitor Management System: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર નાગરિકોની સેવા માટે સતત કાર્યરત છે. જનતાને કોઈ મુશ્કેલી કે ફરિયાદ હોય તો તેઓ કોઈપણ માધ્યમથી ઉચ્ચ સ્તર સુધી પોતાની વાત રજૂ કરી શકે છે. જનસામાન્યના સશક્તિકરણથી સુશાસનનો દાખલો બેસાડનારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને રૂબરૂ મળીને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી હતી, જેના અંતર્ગત અત્યારસુધીમાં 83% ફરિયાદોનો નિકાલ થયો છે.
વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે?
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 9 જાન્યુઆરી, 2023ના રોજ ગુજરાતના નાગરિકોને રૂબરૂ મળીને તેમની ફરિયાદોનું અસરકારક અને પારદર્શી નિવારણ લાવવા માટે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરી હતી. આ સિસ્ટમ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી અઠવાડિયાના પ્રથમ બે દિવસ- સોમવાર અને મંગળવારે અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરે છે. મુલાકાત માટે આવતા તમામ નાગરિકોનું સૌ પ્રથમ વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ત્યારબાદ તેમની રજૂઆતોને ફરિયાદ અને શુભેચ્છા એમ બે કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો :Bhupendra Patel: નગરો – મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
શુભેચ્છા કેટેગરીના નાગરિકોને મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળવાનો પાસ ઇશ્યુ કરવામાં આવે છે, જ્યારે ફરિયાદ કેટેગરીના નાગરિકોની રજૂઆતને મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયના અધિકારીશ્રી દ્વારા વિગતવાર સાંભળી બ્રીફ નોટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ પાસ ઇશ્યુ કરી મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ મોકલવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રી અરજદારની રજૂઆત સમજીને સંબંધિતોને કડક તાકીદ કરી પ્રશ્નનું નિરાકરણ કરવા સૂચના આપે છે. આ માટે સંલગ્ન કચેરી/વિભાગો સાથે સતત ફોલો-અપ તેમજ મોનિટરિંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વિઝિટર કાર્યક્રમને વધુ સંવેદનશીલ અને અસરકારક બનાવવા તેમજ નાગરિકોની રજૂઆતો/ફરિયાદોનું સમયમર્યાદામાં ગુણાત્મક નિરાકરણ માટે ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ પણ લાગુ કરવામાં આવેલ છે.
વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત અત્યારસુધીમાં 83% ફરિયાદોનું નિરાકરણ થયું
વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત વર્ષ 2023થી અત્યારસુધીમાં કુલ 4793 નાગરિકો મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા છે, જે પૈકી 3103 અરજદારો ફરિયાદ/રજૂઆત કેટેગરી અંતર્ગત તેમજ 1690 મુલાકાતીઓ શુભેચ્છા કેટેગરી અંતર્ગત મળ્યા છે. મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળેલા કુલ 4793 અરજદારો પૈકી હાલમાં 83 ટકા અરજદારોની ફરિયાદોનું નિવારણ થયેલ છે.
આ સમાચાર પણ વાંચો :Bank Holidays Jan 2025: ઝટપટ પતાવી લો અગત્યના કામ; જાન્યુઆરીમાં 4 કે 5 નહીં પણ 15 દિવસ બેંક રહેશે બંધ! જુઓ રજાની યાદી
ફરિયાદોની ગંભીરતાના આધારે 3 ચેનલમાં વર્ગીકરણ
વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમમાં અરજદારો દ્વારા કરવામાં આવતી રજૂઆતો/ફરિયાદોની ગંભીરતા અથવા જટિલતાના આધારે GREEN, YELLOW અને RED ચેનલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. અરજદારે કરેલ રજૂઆતો કે ફરિયાદોની ગંભીરતાને ધ્યાને લઈને તેમજ ઝડપથી નિકાલ થાય તે હેતુથી સીએમડેસ્ક, લોકફરિયાદ તેમજ તાલુકા/જિલ્લા સ્વાગતમાં એન્ટ્રી કરવામાં આવે છે.
MP-MLA સેલ હેઠળ 93% ફરિયાદોનો નિકાલ
વહીવટી ફરિયાદોનું પદ્ધતિસર નિવારણ લાવવામાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય ખાતે કાર્યરત MP-MLA યુનિટ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાંસદસભ્યો અને ધારાસભ્યોના મતવિસ્તારની તેમજ જાહેર વહીવટને લગતી વિવિધ રજૂઆતો અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને MP-MLA સેલની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી આ સેલની કામગીરીનું સીધું નિરીક્ષણ કરે છે. MP-MLA સેલ હેઠળ સાંસદસભ્યો અને ધારાસભ્યો દ્વારા વર્તમાન 15મી વિધાનસભામાં અત્યારસુધીના સમયગાળામાં કુલ 14,500 જેટલી રજૂઆત કરવામાં આવી છે, જે પૈકી 93% રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે. MP-MLA યુનિટની સ્થાપના થયા બાદ જનપ્રતિનિધિઓ અને વહીવટી પાંખ વચ્ચે કોમ્યુનિકેશન વધુ સારું બન્યું છે, જેથી વિકાસના કામો ઝડપી થયા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.