News Continuous Bureau | Mumbai
- ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર રૂ.૧૫૦ કરોડના અંદાજિત ખર્ચે ૨૨ એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ(SOUL)નું કેમ્પસ નિર્માણ પામશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પસ નિર્માણનું ભૂમિ પૂજન સંપન્ન કર્યું
- ૨૪ મહિનામાં અદ્યતન કોમ્પલેક્ષ તૈયાર થશે:
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકીય – સામાજિક અને જાહેર નીતિમાં નેતૃત્વ માટે સમર્પિત સંસ્થા સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL)નો ૨૧ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં ઔપચારિક પ્રારંભ કરાવશે
- આરોગ્ય – શિક્ષણ – ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા સહિતના જાહેર ક્ષેત્રોમાં યોગદાન આપવા ઉત્સુક યુવાઓ માટે તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે
- એક સપ્તાહના ટૂંકા ગાળાના અભ્યાસક્રમથી લઈને ૯ થી ૧૨ માસમાં લાંબાગાળાના અભ્યાસક્રમો SOUL ઓફર કરશે
SOUL: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના કરેલી છે. વડાપ્રધાનશ્રીની આ સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો નવતર અભિગમ SOUL સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્વારા અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે SOULના આ અભિગમને વાસ્તવિક સ્વરૂપ આપતા અદ્યતન કેમ્પસનું ભૂમિ પૂજન SOULના બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન શ્રી સુધીર મહેતા, SOULના બોર્ડ મેમ્બર્સ, ભારત સરકારનાં પૂર્વ નાણાં સચિવ અને SOUL એક્ઝેક્યુટિવ કમિટીના ચેરમેન શ્રી ડૉ. હસમુખ અઢિયા તેમજ આમંત્રિતો અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં કર્યું હતું. SOULનું આ કેમ્પસ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી સમીપે ૨૨ એકર વિસ્તારમાં અંદાજિત રૂ.૧૫૦ કરોડના ખર્ચે આગામી બે વર્ષમાં નિર્માણ પામવાનું છે.
આ સમાચાર પણ વાંચો: ભારતીય શેર બજાર ને પસંદ આવી PM મોદી-ટ્રમ્પની મુલાકાત, દ્વિપક્ષીય બેઠક બાદ ઉંધા માથે પટકાયું; આ શેર ધડામ દઈને પડ્યા..
SOUL: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ન હોય તેવા ૧ લાખ યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં રાજકારણમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા મહત્વાકાંક્ષી યુવાનોને તાલીમ આપવા તથા ભારતમાં શાસનના પ્રણાલીગત પડકારોનો સામનો કરીને નવી તકોના સર્જન માટે તેમને સશક્ત બનાવવાના હેતુથી રચાયેલી આ સંસ્થા SOUL રાજકીય, સામાજિક અને જાહેર નીતિ – એમ મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં નેતૃત્વ વિકાસ માટે સમર્પિત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૧ ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOULનો ઔપચારિક પ્રારંભ કરાવશે. પ્રારંભિક તબક્કે SOUL દ્વારા જાહેર સેવા વ્યવસાયિકો માટે અનુરૂપ કાર્યક્રમ ઓફર કરવામાં આવશે.
ગાંધીનગરમાં SOULના કેમ્પસનું બાંધકામ પૂર્ણ થયા પછી માર્ચ-૨૦૨૭થી અહીં ઔપચારિક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે તેમાં ૧ થી ૩ મહિનાના મધ્યમ ગાળા તેમજ ૯ થી ૧૨ મહિનાના લાંબાગાળાના અભ્યાસ કાર્યક્રમો કાર્યરત થશે. કેમ્પસ સંપૂર્ણ તૈયાર થાય ત્યાં સુધી એક અઠવાડિયાના ટૂંકા ગાળાના કાર્યક્રમો અને સેમિનાર્સનું આયોજન કરાશે. લોકોના હિતને પ્રાધાન્ય આપતા સક્ષમ નેતૃત્વના વિકાસની તકો સાથે જાહેર ક્ષેત્ર, આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખતા ઉમેદવારો અને યુવાનોને લીડરશીપ તાલીમ માટે SOUL યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. આ હેતુસર SOULમાં પ્રવેશ માટે જાહેર સેવા પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવતા વ્યક્તિઓને લેટર ઓફ ઈન્ટેન્ટ અને પેનલ ઈન્ટરવ્યૂ દ્વારા યોગ્યતાના ધોરણે પસંદ કરવામાં આવશે. ઉદ્યોગ, સરકાર અને વૈશ્વિકનેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો SOULમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપશે. એટલું જ નહિ, સહભાગીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરવાના હેતુથી યુવા ઉમેદવારો પાસેથી ટોકન ફી લેવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાહેર સેવા અધિકારીઓ માટે તાલીમ નિ:શુલ્ક રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Suraksha Setu Society: ગુજરાત બન્યું સશક્ત અને સુરક્ષિત, સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આટલી મહિલાઓને તાલીમ આપવામાં આવી
SOUL: SOUL ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિ સમૂહો દ્વારા સ્થાપવામાં આવેલી એક સ્વતંત્ર અને બિન-પક્ષપાતી સંસ્થા છે. તેમજ સરકારી એજન્સીઓ કે યુનિવર્સિટીઓ સાથે કોઈ જોડાણ ધરાવતી નથી. લીડરશીપ ડેવલોપમેન્ટ અને વેલ્યુએડિસન પર ફોકસ કરતા નોન ડીગ્રી કાર્યક્રમો SOULમાં સંચાલિત થવાના છે. SOUL એક એવી ઉત્કૃષ્ટ સંસ્થા છે જેમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા પબ્લિક અને ગવર્મેન્ટ લીડર્સને નવા સંશોધનો તેમજ વિવિધ વિષયોનું વિશેષ માર્ગદર્શન મળશે આના પરિણામે લીડર્સ વધુ અસરકારક રીતે સમાજોપયોગી બની શકશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, અત્યાર સુધીમાં SOUL દ્વારા વિવિધ પ્રકારના પ્રિ-લોન્ચ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલું છે. તેમાં NEPના અસરકારક અમલને સરળ બનાવવા શિક્ષણ મંત્રાલયના સહયોગથી દ્વિ દિવસીય લીડરશીપ વર્કશોપ, મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના સ્ટાફ માટે એક દિવસીય ચિંતન શિબિરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રાજ્યના બજેટની વિસ્તૃત અને ગહન સમજ ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને આપવા અંગેના વર્કશોપનો પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed



