ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે 30 વર્ષથી મુંબઈ પાલિકામાં રાજ કરનારી શિવસેનાને હટાવીને પાલિકા પર કબજો કરવાનાં ભાજપ સપનાં જોઈ રહી છે. એ માટે ભાજપે હવે મરાઠી અને અનુસૂચિત જાતિ, સમાજની મતબૅન્ક કબજે કરવા નવો દાવ માંડ્યો છે.
હાલમાં ભાજપના મુંબઈના નેતા આશિષ શેલારે એવા આરોપ કર્યો હતો કે મુંબઈ મહાનગરપાલિકાના અનુસૂચિત જાતિ, સમાજ સહિતના રિઝર્વ જાતિના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ શ્રેણી માટે રહેલાં પદ હજી સુધી ખાલી છે. આ શ્રેણીમાં આવતા પાલિકાના 132 અધિકારીઓ પ્રમોશન મળે એની રાહ જોઈ રહ્યા છે અને પાલિકાની સ્થાપત્ય સમિતિમાં એ પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે. છતાં શિવસેનાએ ચાર સામાન્ય સભા થયા બાદ પણ એ પ્રસ્તાવને મંજૂર નહીં કરતાં રોકી રાખ્યો છે. આ અધિકારીઓની બદલી રોકી દેવામાં આવી છે. મંત્રાલયમાં જે રીતે બદલી માટે વસૂલી થાય છે એ પ્રમાણે શું પાલિકામાં પણ વસૂલી થાય છે? એવો સવાલ ભાજપના નેતાએ કર્યો છે.
મુંબઈ પોલીસ કમિશનરે પોતાના અધિકારીઓ માટે પાડયું નવું ફરમાન;જાણો વિગત
આરક્ષણને લઈને તો ભાજપે શિવસેનાની ટીકા કરી હતી, પણ પરંપરાગત રીતે મરાઠી માણુસના મત પર કબજો ધરાવતી શિવસેનાને પાલિકાના સેક્રેટરિયલ ખાતામાં પણ મરાઠી માણૂસ સાથે અન્યાય કર્યો હોવાની વાત કરી હતી. પાલિકાના સેક્રેટરીપદે મરાઠી અધિકારી શુભાંગી સાવંતને પ્રમોશન નહીં આપતાં શર્મા નામના બિનરમરાઠી અધિકારીને પ્રમોશન આપવા સામે ભાજપે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે સેક્રેટરિયલ પદની નિમણૂક સિનિયોરિટીના હિસાબે કરવામાં આવી હોવાની સ્પષ્ટતા પહેલાં જ થઈ ગઈ હતી. એથી જૂના મુદ્દાને ફરી ઉખાડીને ભાજપ મરાઠી મતબૅન્કને પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.