ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
લોકડાઉન ખોલ્યા બાદ મુંબઈમાં લોકલ ટ્રેનમાં જરૂરી સેવા સાથે જોડાયેલા લોકોને પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, સામાન્ય લોકોને ટ્રેનમાં પરવાનગી ન હતી. કેટલાક લોકો આનો ગેરફાયદો ઉઠાવી જરૂરી આઈડી કાર્ડ ન હોવા છતાં પ્રવાસ કરતાં હતાં.
લોકડાઉન દરમિયાન આવી જ રીતે ગેરકાયદેસર ઉપનગરીય ટ્રેનમા કુર્લા થી માહિમ જવા માટે જતો એક 19 વર્ષનો યુવાન પકડાયો હતો. જે નકલી આઈડી સાથે પ્રવાસ કરતાં પકડાઈ ગયો હતો. જેને નિયમ અનુસાર 40 દિવસની જેલની સજા થઈ હતી. જોકે, બાદમાં આ 19 વર્ષિય યુવાનને સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતાં.. કુર્લાના રહેવાસી સામે પોલીસે છેતરપિંડી, બનાવટી આઈડી કાર્ડ બનાવવા જેવા ગુના હેઠળ કેસ નોંધ્યો હતો, જે માટે મહત્તમ સજા આજીવન કેદની થતી હોય છે. હાલ તેમને 15 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જજે જામીન આપ્યા છે.
આરોપી વતી તેના વકીલે રજૂઆત કરી હતી કે 'યુવાને આજીવિકા મેળવવા માટે ટ્રેનમાં મુસાફરી કરી હતી કારણ કે કોવિડ 19-પ્રેરિત લોકડાઉન લાદવામાં આવ્યો હતો ત્યારે, માર્ચથી કમાણી ન હોવાને કારણે ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. આથી તેને નકલી આઈડી બનાવ્યું પરંતુ તેનો ઈરાદો સરકારી કર્મચારીને વ્યક્તિગત અથવા આર્થિક લાભ માટે છેતરવાનો ન હતો.'
જોકે, હાલ રેલ અધિકારીઓ બનાવટી ઓળખકાર્ડ વેચતા લોકો પર પણ કડક કાર્યવાહી કરી રહ્યા છે.
