ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈમાં વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને જ 15 ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવામાં આવી છે. એથી અત્યાર સુધી વેકિસન લેવાથી દૂર રહેલા લોકોએ અચાનક વેક્સિન લેવા માટે ધસારો કરી મૂક્યો છે. જોકે વેક્સિનની અછતને પગલે મુંબઈમાં 314માંથી આજે ફક્ત 24 પબ્લિક વેક્સિનેશન સેન્ટર ખુલ્લાં છે. એમાં 13 સેન્ટરમાં કોવેક્સિન અને 11માં કોવિશીલ્ડ વેક્સિન ઉપલબ્ધ છે. એથી વેક્સિન લેવા ઇચ્છુક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેક્સિન સેન્ટર ઉપર લોકો રાતથી જ લાઇન લગાવીને પોતાનો નંબર આવે એની રાહ જોઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ વેક્સિનની અછતને પગલે ઓછાં સેન્ટર ખુલ્લાં મુકાયાં છે. વેક્સિનનો બીજો સ્ટૉક ઉપલબ્ધ થવાની સાથે જ અન્ય સેન્ટર પણ ખુલ્લાં મૂકવામાં આવશે. મહારાષ્ટ્રના ઍડિશનલ ચીફ સેક્રેટરી ડૉ.પ્રદીપ વ્યાસના જણાવ્યા મુજબ ઑગસ્ટમાં અત્યાર સુધીમાં રાજ્યને ફક્ત 8.26 લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થયા છે.