ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
મુંબઈમાં ચોમાસાના પહેલા જ વરસાદમાં મુંબઈ આખી જળબંબાકાર થઈ ગઈ હતી. નાળાસફાઈ બરોબર કર્યું ન હોવાથી મુંબઈ પાણીમાં ડૂબી ગઈ હોવાની ફરિયાદ નગરસેવકો કરી રહ્યા છે. એમાં પણ ભાજપના 86 નગરસેવકોમાંથી 28 નગરસેવકોએ તેમના વિસ્તારમાં નાળાસફાઈ કરવામાં આવી જ નથી એવી ફરિયાદ કરી છે.
ચોમાસા પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં 104 ટકા નાળાસફાઈ કરી હોવાનો દાવો કર્યો હતો, જે ચોમાસાના પહેલા જ વરસાદમાં પોકળ સાબિત થયો હતો. ભાજપે પણ નાળાસફાઈને લઈને ફરિયાદો કરી હતી. કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ નાળાસફાઈ થઈ જ નથી. એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ ભાજપે પાલિકા પ્રશાસન સહિત મેયરને કરી હતી.
ત્યાર બાદ ભાજપે પોતાના તમામ નગરસેવકો પાસે તેમના વિસ્તારની નાળાસફાઈની માહિતી મગાવી હતી. જેમાં 28 નગરસેવકોએ તેમના વૉર્ડમાં નાળાસફાઈ કરવામાં આવી જ નહોતી એવો અહેવાલ પક્ષને આપ્યો છે. ભાજપના આ 28 નગરસેવકો આજે તેમના વૉર્ડની આ યાદી મુંબઈના મેયર કિશોરી પેડણેકરને આપવાના છે.
આ 28 નગરસેવકોમાં વિધાનસભ્ય અને નગરસેવક પરાગ શાહ, બિંદુ ત્રિવેદી, સુનિતા યાદવ, અભિજિત સામંત, લીના પટેલ-દેહેરકર, નેહલ શાહ, સેજલ દેસાઈ, અનિતા પંચાળ, મહાદેવ શિવગણ, કમલેશ યાદવ, નીલ સોમૈયા, હેતલ ગાલા, હર્ષ પટેલ, પ્રિયંકા મોરે, પ્રકાર મોરે, રેણુ હંસરાજ, રજની કેણી, પ્રવીણ શાહ, સુધા સિંહ, સાક્ષી દળવી, પ્રીતિ સાતમ, દક્ષા પટેલ, પ્રતિભા શિંદે, સમિતા કાંબળે. સારિકા પવાર અને યોગિતા કોળીનો સમાવેશ થાય છે.