ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
ભારતીય સંસ્કૃતિમાં દાનનો મહિમા મોટો છે. તેથી લોકો પોતાની શકિત મુજબ વાર-તહેવારે દાન કરતા હોય છે. મંદિરે જનારા ભક્તો મંદિર બહાર બેસનારા યાચકોને દાન આપતા હોય છે. બોરીવલીની એક વ્યક્તિને આવી રીતે દાન કરવું ભારે પડી ગયું છે. દહાણુના મહાલક્ષ્મી મંદિરના પ્રાંગણમાં ભીખ માંગતા રાજુ નામના શખ્સે આ વ્યક્તિ સાથે દસ લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. આ મામલે રવિવારે દહાણુના કાસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ની ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ભિખારીની શોધ શરૂ કરી છે. બોરીવલીમાં રહેતા એક ભક્ત ઘણાં વર્ષોથી દહાણુ સ્થિત મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શને જાય છે. દેવીનાં દર્શન લીધા બાદ મંદિર બહાર બેઠેલા તમામ યાચકોને તેઓ દાન આપતા હતા. દરમિયાન રાજુ નામના ભિખારીએ તેમને જણાવ્યું હતું કે તેની પાસે જૂના સોનાના સિક્કા છે જે વેચવાના છે. આ બંને વચ્ચે એક સોદો નક્કી થયો, જેમાં એક કિલો સિક્કાના રૂા.એક લાખ આપવાનું તે ભક્તે ભિખારીને કહ્યું.
સોદો થયા બાદ પહેલી નવેમ્બરે ચારોટી ચેકનાકા પાસે રાજુ સહિત બે જણ દસ કિલો સિક્કા લઇને પહોંચી ગયા હતા અને સિક્કાના બદલામાં દસ લાખ રૂપિયાની રોકડ લીધી હતી. આ સિક્કા સોનારને દેખાડતા તે પિત્તળના સિક્કા હોવાનું સામે આવ્યું. ત્યાર બાદ ૧૪મી નવેમ્બરે ફરિયાદીએ કાસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.