ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
આજની તારીખમાં ભારત દેશમાં પાણી અને વીજળી બન્ને વિકસિત અને વિકાસશીલ શહેરો માટે એક મોટો પ્રશ્ન છે.
આ પરિસ્થિતિમાં મુંબઈના કાંદિવલી વિસ્તારના ચારકોપમાં અમીશા સોસાયટીએ અપનાવેલો માર્ગ એક સારો વિકલ્પ હોઈ શકે છે.
વાત એમ છે કે આ સોસાયટીમાં પાણીનો જે પ્રકારે વ્યય થતો હતો, એને ઓછો કરવા સોસાયટીએ એક નવતર પ્રયોગ કર્યો. સોસાયટીએ દરેક સભ્યના ઘરે અલાયદાં મીટરો મૂકી દીધાં, ત્યાર બાદ જાણે કે ચમત્કાર જ થયો. પાણીનો વપરાશ આશરે 40થી 50 જેટલો ઓછો થઈ ગયો.
અમીશા સોસાયટીના સેક્રેટરી મનુભાઈ પટેલે ન્યુઝ કન્ટિન્યુઝને ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે “અત્યારે આ પ્રયોગને એક વર્ષ થયું છે, એક વર્ષમાં BMC દ્વારા કરવામાં આવેલા પાણીકાપને લીધે બીજી સોસાયટીને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પણ અમારી સોસાયટીની ટાંકીમાં મીટરને કારણે પાણીનો વ્યય ઓછો થયો હતો, એટલે પાણી બચાવેલું પડ્યું હતું. આ પ્રકલ્પ માટે 12 લાખનો ખર્ચ થયો હતો અને એ ખર્ચ ફક્ત ચાર વર્ષમાં જ વીજબિલમાં થયેલી કપાતને લીધે પાછો મળી જાય છે.”
કમિશનર દ્વારા પ્રશંસા
સેક્રેટરી મનુભાઈએ કમિશનરશ્રીને આ પ્રકલ્પ વિશે પત્રના માધ્યમથી જણાવેલું અને કમિશનરશ્રી પોતે આવીને આ પ્રકલ્પની સમીક્ષા કરેલી અને પ્રશંસા પણ કરવામાં આવેલી.
મનુભાઈ દ્વારા લોકો અને BMCને સંદેશ
મનુભાઈએ જણાવ્યું છે કે “પાણી કુદરતે આપેલી અણમોલ સંપત્તિ છે, એથી આપણે એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું એક જાગ્રત નાગરિક તરીકે એક સંદેશ આપીશ કે શક્ય હોય તો પોતાની સોસાયટીમાં અને નવી બનતી બિલ્ડિંગમાં જરૂરથી આ પ્રકલ્પ અપનાવો, જેથી પાણીનો વ્યય થતો અટકશે. અને સાથે પૈસાનો પણ બચાવ થશે.”
તેમની સોસાયટીમાં દરેક જગ્યા પર સેન્સર બલ્બ લગાડેલા છે, જેથી વીજબિલ પણ ઓછું આવે છે અને બીજી સોસાયટીની જેમ મેઇન્ટેનન્સમાં વધારો કરવાની જરૂર પડતી નથી.
ઉલ્લેખનીય છે કે જ્યારે પાણીનો સાર્વજનિક ઉપયોગ થતો હોય છે ત્યારે ઉપયોગની સાથે એનો ઉપભોગ પણ થઈ જાય છે. ઘણી વખત એવું નોંધવામાં આવ્યું છે કે લોકો એનો બેજવાબદારીપૂર્વક ઉપયોગ કરતાં હોય છે. જ્યારે વ્યક્તિગત જવાબદારીનું ભાન થતાં કેટલો ફાયદો થાય છે, એ આ કિસ્સા દ્વારા જાણી શકાય છે.