ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કાંદિવલીના ચારકોપ વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં બાળકી પર બળાત્કારની ઘટના ઘટી છે. આ નીચ કૃત્ય સોસાયટીમાં આવેલા સ્થાનિક હૉટેલના ડિલિવરી મૅને કર્યું હતું.
આ ઘટના મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ફૂડ ડિલિવરી મૅન લોકચંદન સાહુ (ઉંમર ૧૯) સોસાયટીમાં ફૂડ ડિલિવરી કરવા આવ્યો હતો, ત્યારે છ વર્ષની બાળકી ઍપાર્ટમેન્ટનાં પગથિયાં પાસે રમી રહી હતી. આરોપીએ ઍપાર્ટમેન્ટમાં અંદર જવાનો રસ્તો બાળકીને પૂછ્યો. બાળકીએ તેને રસ્તો બતાવવામાં મદદ કરી, પણ સાહુએ જાણીજોઈને રસ્તો સમજાતો ન હોય એવો ડોળ કર્યો. ફરતાં ફરતાં તે બાળકીને ટેરેસ સુધી લઈ ગયો. જ્યાં આરોપીએ બાળકીની જાતીય સતામણી કરી હતી.
છોકરીએ પોતાના ઘરે પરત ફરીને પોતાની માતાને આ વિશે ફરિયાદ કરી હતી. તેની માતાએ સોસાયટીમાં પૂછપરછ કરી અને એક કલાક પહેલાં કોણ આવ્યું હતું તેની ભાળ કાઢી. ડિલિવરી મૅન આરોપી છે એવું ખબર પડતાં તેણે ચારકોપ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે બુધવારે સાહુની ધરપકડ કરી હતી.