News Continuous Bureau | Mumbai
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા માટે સારા સમાચાર છે. મુંબઈગરાની સુવિધા માટે ચાલુ કરવામાં આવેલી એરકંડિશન્ડ લોકલ ટ્રેનના ઊંચા ભાડાને પગલે સામાન્ય પ્રવાસીઓ તેનાથી દૂર ભાગી રહ્યા છે ત્યારે બહુ જલદી એરકંડિશન્ડ લોકલ ટ્રેનના ભાડામાં ઘટાડો થાય એવી શક્યતા છે. રેલવે પ્રશાસને મુંબઈની એસી ટ્રેનનો ભાડામાં ઘટાડો કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
રેલવે બોર્ડના પ્રસ્તાવ મુજબ મુંબઈની એસી લોકલની સિંગલ જર્નીની ટિકિટના ભાડામાં ઘટાડો થાય એવી શક્યતા છે. રેલવે બોર્ડના અનુસાર આ ભાડું મુંબઈમાં દોડનારી મેટ્રો ટ્રેનના ભાડાના આધારે નક્કી કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે મેટ્રોનું પહેલા 3 કિલોમીટરનું ભાડું માત્ર 10 રૂપિયા છે.
જો રેલવે બોર્ડનો આ પ્રસ્તાવ મંજૂર થઈ શકે તો પ્રવાસીને એસી લોકલમાં સિંગલ જર્ની માટે 10 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનું ભાડું ચૂકવવું પડશે. જેમાં પહેલા પાંચ કિલોમીટર સુધી હાલ 65 રૂપિયા છે, તેને 10 રૂપિયા કરવાનો વિચાર છે. તો 60 કિલોમીટર સુધી માટે હાલ જે 220 રૂપિયાની ટિકિટ છે, તેને 80 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. રેલવેએ જોકે પાસના ભાડાને લઈને કોઈ પ્રસ્તાવ રાખ્યો નથી.
આ સમાચાર પણ વાંચો :મુંબઈગરા તૈયાર રહેજો!! એપ્રિલથી પ્રોપર્ટી ટેક્સમાં આટકા ટકાનો થઈ શકે છે વધારો; જાણો વિગતે
રેલવેના દાવા મુજબ જો એસી લોકલના ભાડામાં ઘટાડો કરવામાં આવે છે તો પીક અને નોન પીક અવર્સમાં એસી ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા વધશે. એ સાથે જ ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરનારા એસી લોકલમાં પણ પ્રવાસ કરવાનું ચાલુ કરશે.
એસી લોકલના ભાડામાં ઘટાડો કરવાની સાથે જ મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશનના માધ્યમથી આગામી સમયમાં વધુ 238 એસી લોકલ ખરીદવાનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.