ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓક્ટોબર, 2021
ગુરુવાર.
દેશમાં હાલ ચર્ચાનો વિષય બનનાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસને હવે રાજકીય રંગ લાગી રહ્યો છે.
રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે, ક્રૂઝ પર પાડવામાં આવેલા NCBના દરોડાને લઈને ગઈ કાલે આરોપ લગાવ્યો હતો કે, “ક્રૂઝ પર કોઈ ડ્રગ્સ મળ્યું જ નથી.”
નવાબ મલિકના આરોપ પર આ હાઈપ્રોફાઇલ કેસના મુખ્ય સૂત્રધાર એવા NCBના અધિકારી સમીર વાનખેડેએ એક ન્યૂઝ ચૅનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “અમે જે કહેવાનુ હતું એ કહી ચૂકયા છીએ. તમામ કાર્યવાહી કાયદામાં રહીને જ કરવામાં આવી છે.”
સમીર વાનખેડે પર રાષ્ટ્રવાદી પાર્ટીએ આરોપ મૂક્યો છે કે તે માત્ર સેલિબ્રિટીને પકડે છે. આ પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે “હું કોઈ પોસ્ટર બૉય નથી, માત્ર ગવર્નમેન્ટ સર્વન્ટ છું. અમે જે અમારું કામ છે એ જ કરી રહ્યા છીએ. NCB એક પ્રોફેશનલ ઑર્ગેનાઇઝેશન છે. નાર્કોટિક્સને લગતા કાયદાનું જે પણ ઉલ્લંઘન કરે છે તેમના પર અમે ઍક્શન લઈ રહ્યા છીએ અને લેતા રહીશું.”
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધનવાન નથી, ફોર્બ્સની યાદીમાંથી પણ બહાર; જાણો વિગત
સમીર વાનખેડેએ વધુમાં કહ્યું હતું કે “છેલ્લા એક વર્ષમાં મુંબઈ અને મહારાષ્ટ્રને ડ્રગ્સ મુક્ત કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આંકડા પણ એની સાબિતી આપી રહ્યા છે. એક વર્ષમાં અમે 320 લોકોને પકડ્યા છે. બે મોટી ડ્રગ ફૅક્ટરી પકડી છે અને મોટી ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 100 કરોડ રૂપિયા કરતાં વધારે કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આગળ પણ અમારી કામગીરી ચાલી રહી છે.”
આર્યન ખાનની ધરપકડ અને તેની સામેના પુરાવા અંગે તેમણે કહ્યું હતું કે અમે કોર્ટ સમક્ષ બધું રજૂ કર્યું છે. હાલમાં આ મામલો કોર્ટમાં છે. આ કેસમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે કોઈ વ્યક્તિ સેલિબ્રિટી છે એ જાણીને ઍક્શન નથી લેતા, જે પણ નિયમ તોડે છે તેની સામે કાર્યવાહી કરીએ છીએ.”