ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
કાંદિવલીની હાઈફાઈ હાઉસિંગ સોસાયટી બનાવટી વેક્સિનેશન કૅમ્પનો ભોગ બની હોવાની ફરિયાદ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હવે અન્ય બે પ્રોડક્શન હાઉસ પણ આ બનાવટી વેક્સિનેશન કૅમ્પ કરનારાઓના ઝાંસામાં આવી ગયું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
કાંદિવલીમાં 30 મેના બનાવટી વેક્સિનેશન કૅમ્પ કરવાના કેસમાં એક ખાનગી હૉસ્પિટલના ભૂતપૂર્વ કર્મચારી રાજેશ પાંડેની પોલીસે ધરપકડ કરી હતી. તેણે આવો જ વેક્સિનેશન કૅમ્પ અંધેરીના એક પ્રોડક્શન હાઉસમાં પણ રાખ્યો હતો. જ્યાં 150 લોકોને વેક્સિન આપવામાં આવી હોવાનો દાવો છે. પોલીસ આ લોકોના જવાબ નોંધી રહી છે.
એ સિવાય પ્રોડ્યુસર રમેશ તૌરાણીએ પણ તેના સ્ટાફ માટે 29 મેના રાજેશ પાંડેએ વેક્સિનેશન કૅમ્પ રાખ્યો હોવાની ફરિયાદ કરી છે, તો 3 જૂનના પણ તેણે એક પ્રોડક્શન હાઉસ માટે વેક્સિનેશન કૅમ્પ રાખ્યો હોવાની વિગત બહાર આવી રહી છે. કાંદિવલી પોલીસ ટૂંક સમયમાં જ આ કેસની વિગત જાહેર કરે એવી શક્યતા છે.