ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
કોરોના મહામારીમાં મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીને ભારે ફટકો પડ્યો છે. એથી એની ભરપાઈ કરવા BMCએ પ્રૉપર્ટી ટૅક્સ તથા વૉટર ટૅક્સ બાદ હવે ફેરિયાઓના શુલ્કમાં બમણો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
શહેરના મોટા ભાગના રસ્તા પર ગેરકાયદે ફેરિયાઓએ અંડિગો જમાવ્યો છે. એથી મુંબઈ પાલિકાએ ફેરિયાઓને માટે હૉકર્સ પૉલિસી તૈયાર કરી છે. જે અંતર્ગત કાયદેસરના ફેરિયાઓને મુંબઈના રસ્તા પર ધંધો કરવા જગ્યા આપવામાં આવશે. બહુ જલદી આ પૉલિસી અમલમાં મૂકવામાં આવશે. એક વખત આ પૉલિસી અમલમાં આવી જશે પછી પાલિકા નવા નિયમ લાગુ કરી શકશે નહીં. એથી આ પૉલિસીને અમલમાં મૂકતાં પહેલાં પાલિકાએ ફેરિયાઓના શુલ્કમાં બમણો વધારવાનો નિર્ણય લીધો છે.
ફેરિયાઓના શુલ્કમાં વધારો કરવામાં આવશે. એ સાથે જ પાલિકા આરે, સરિતા, મેફ્કો, મહાનંદા તથા સરકારી યોજના માટે તેમ જ માજી સૈનિક, અપંગોને આપેલા સ્ટૉલના શુલ્કમાં પણ વધારો કરવાની છે.
અહીં ઉલ્લેખનીય છે કે BMCએ નવી પૉલિસી હેઠળ મુંબઈમાં 300થી વધુ રસ્તા પર ફેરિયાઓ માટે 35,000 જગ્યા નક્કી કરી છે. આ પૉલિસી અમલમાં મૂકતાં પહેલાં પાલિકાએ કાયદેસરના ફેરિયા નક્કી કરવા માટે અરજી મગાવી હતી. કુલ 99,000 અરજી આવી હતી. તેમના દસ્તાવેજો ચકાસ્યા બાદ ફકત 17,000 ફેરિયાઓ પાત્ર ઠર્યા હતા.