ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જુલાઈ 2021
ગુરુવાર
BMCમાં ચતુર્થ શ્રેણીના બે કર્મચારીઓએ ઉપરી અધિકારીઓની મદદથી લાખો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ તેમની પત્નીઓની કંપની નામે મેળવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઍક્ટ (RTI) હેઠળ મળેલી માહીતી મુજબ સાંતાક્રુઝમાં પાલિકાના મેઇન્ટેન્સ વિભાગમાં રહેલો પિયૂન અને સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ખાતામાં રહેલા પિયૂનની પત્નીઓને પાલિકાના બે કૉન્ટ્રૅક્ટ મળ્યા છે.
BMCના નિયમ મુજબ તેમનો કોઈ પણ કર્મચારી પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે BMCના કૉન્ટ્રૅક્ટ લેનારી વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી ન હોવી જોઈએ, પરંતુ આ બંને કર્મચારીઓની પત્નીઓને લાખો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મળ્યા છે. એથી એમાં જરૂર કોઈ ઉપરી અધિકારીઓનો પણ હાથ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
સાવધાન!!! મુંબઈ અને આસપાસના વિસ્તારમાં આ તારીખે વરસાદ માટે યલો એલર્ટ જાહેર.
BMCના કૉન્ટ્રૅક્ટમાં વર્ષોથી ભ્રષ્ટાચાર થતો આવ્યો છે. લાખો અને કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે પાલિકાના ઉપરી અધિકારીઓની રહેમ નજર હોવી આવશ્યક હોવાનું માનવામાં આવે છે. ત્યારે એચ-પૂર્વ વૉર્ડના સાંતાક્રુઝ (પૂર્વ)માં આવેલા મેઇન્ટેન્સ વિભાગમાં કામ કરતા રત્નેશ ભોસલેની પત્ની રિયા ભોસલેની આર. આર. એન્ટરપ્રાઇઝને 2019થી 2021 માટે 65. 36 લાખ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે, તો પાલિકાના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટમાં પિયૂન રહેલા અર્જુન નારલેની પત્ની અપર્ણાની શ્રી એન્ટરપ્રાઇઝ નામની કંપનીને 1.11 કરોડ રૂપિયાના પાલિકાના કામનો કૉન્ટ્રૅક્ટ મળ્યો છે. આ બંને કર્મચારીઓએ જોકે તેમનો પોતાની પત્નીની કંપની સાથે કોઈ સંબંધ નહીં હોવાનું કહીને હાથ ઉપર કરી દીધા છે. પાલિકાના વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ આ પૂરા પ્રકરણની પાલિકાના વિજિલન્સ ખાતા દ્વારા તપાસ કરવાની માગણી કરી છે.