ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
આગામી દિવસમાં કદાચ મુંબઈગરાને પાણીકાપનો સામનો કરવો પડે એવી શક્યતા છે. એનું કારણ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોની ઘટતી સપાટી છે. હાલ તમામ જળાશયોમાં માત્ર બે લાખ 61 હજાર 978 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક બચ્યો છે. એટલે કે હાલ જળાશયોમાં માત્ર 18 ટકા પાણી જ બચ્યું છે. જે ગયા વર્ષની સરખામણીમાં ઓછું છે. ગયા વર્ષ દરમિયાન આ સમયે જળાશયોમાં 21 ટકા પાણીનો સ્ટૉક હતો.
મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસીમાંથી પાણી આપવામાં આવે છે. પહેલી ઑક્ટોબરનાં તમામ જળાશયોમાં 14 લાખ 47 હજાર મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોય તો જ મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણી પુરવઠો થઈ શકે છે.
મુંબઈને દરરોજ 3,800 મિલિયન લિટર જેટલું પાણી આપવામાં આવે છે. એ મુજબ હાલ જળાશયોમાં માત્ર બે મહિના ચાલે એટલું જ પાણી બચ્યું છે.
ગયા વર્ષે જોકે જળાશયોમાં સારો વરસાદ પડ્યો હતો. આ વર્ષે પણ હવામાન ખાતાએ સારા ચોમાસાની આગાહી કરી છે. છતાં જળાશયોના કૅચમેન્ટ એરિયામાં વરસાદ કેવો પડે છે, એના ઉપર આખું વર્ષ મુંબઈને કેટલું પાણી મળશે એ આધાર રાખે છે.
હાલ તમામ જળાશયોમાં બે લાખ 61 હજાર 978 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક છે. જે આગામી 68 દિવસ અટલે કે 27 જુલાઈ, 2021 સુધી ચાલે એટલું જ છે. ગયા વર્ષે આ સમય દરમિયાન જળાશયોમાં કુલ 21 ટકા પાણી હતું, તો 2019ની સાલમાં 13 ટકા જેટલું પાણી હતું. એથી એ વર્ષે મુંબઈમાં પાણીકાપ મુકાયો હતો.