ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર
દિવાળી દરમિયાન ફટાકડાઓને કારણે વાયુ પ્રદૂષણનો ડખો ચાલે છે. જોકે આ વર્ષે દિવાળી પહેલાં જ મુંબઈની હવાની ગુણવત્તા બગડી ગઈ છે. અમુક ક્ષેત્રમાં તો હવાની ગુણવત્તાનું સ્તર બહુ જ ઉતરી ગયું છે. મઝગાવ, બીકેસી અને મલાડની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. જ્યારે અન્ય ક્ષેત્રોની વાયુ ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં નોંધાઇ છે.
દર વર્ષે મુંબઈમાં દિવાળી બાદ હવાની ગુણવત્તાનું સ્તર તપાસવામાં આવે છે અને તે બહુ જ ખરાબ શ્રેણીમાં આવે છે. AQI નોંધનારી સિસ્ટમ ઓફ ઍર ક્વોલિટી એન્ડ રિસર્ચના જણાવ્યા મુજબ સોમવારે મુંબઈમાં સરેરાશ હવાની ગુણવત્તા 186 AQI નોંધાઈ હતી. જે મધ્યમ શ્રેણીમાં આવે છે, પરંતુ ચાર ઠેકાણે સૌથી ખરાબ હોવા નોંધાઇ છે.
હવાની ગુણવત્તા AQI (air quality index) દ્વારા માપવામાં આવે છે. 0થી 50 AQI એટલે ઉત્તમ ગુણવત્તા, જ્યારે 51 થી 100 AQI એટલે સારી ગુણવત્તા, 101 થી 200 AQI મધ્યમ, 201થી 300 AQI ખરાબ, 301 થી 400 AQI બહુ જ ખરાબ અને 400થી ઉપર એટલે ગંભીર. આ માપદંડ પ્રમાણે મલાડ અને મઝગાવમાં સૌથી વધુ 326 AQI જ્યારે કોલાબામાં 256 AQI નોંધાઈ છે. ત્યારબાદ બોરીવલીમાં 132 જ્યારે અંધેરીની હવાની ગુણવત્તા 133 AQI નોંધાઇ છે. સહુથી સારી હવાની ગુણવત્તા વર્લીની 98 AQI છે