News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું એક વિમાન દુર્ઘટનામાં કરુણ નિધન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્ર સહિત દેશના રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ તેમની વ્યક્તિગત ખોટ છે અને મહારાષ્ટ્ર માટે આ અત્યંત કપરો દિવસ છે.અજીત પવારના અકાળે અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને અને મીડિયા સમક્ષ ભાવુક થતા કહ્યું કે, “મારો એક દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો છે.” આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે, જે દરમિયાન તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત રહેશે.
પીએમ મોદી અને અમિત શાહને આપી જાણકારી
મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે તેમણે આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને વિગતવાર જાણકારી આપી છે. અજીત પવારના નિધનથી પવાર પરિવાર પર મોટો આઘાત લાગ્યો છે. ફડણવીસે વધુમાં ઉમેર્યું કે, અજીત પવારનો મહારાષ્ટ્રના વિકાસમાં બહુમૂલ્ય ફાળો રહ્યો છે અને તેઓ હંમેશા સંઘર્ષ કરનારા નેતા તરીકે યાદ રાખવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?
મળતી માહિતી મુજબ, અજીત પવાર જે વિમાનમાં સવાર હતા તે ટેકનિકલ ખામી અથવા ખરાબ હવામાનને કારણે ક્રેશ (Crash) થયું હોવાની આશંકા છે. વહીવટીતંત્રે તપાસના આદેશ આપી દીધા છે જેથી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાય.
મહારાષ્ટ્રના રાજકારણમાં ન પુરાય તેવી ખોટ
અજીત પવાર માત્ર એક નેતા જ નહીં પરંતુ વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવતા રાજકારણી હતા. તેમના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું શૂન્યાવકાશ સર્જાયું છે. શરદ પવારના ભત્રીજા હોવા છતાં તેમણે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. તેમની કાર્યશૈલી અને વહીવટી નિર્ણયો લેવાની ક્ષમતાને કારણે તેઓ વિપક્ષી નેતાઓમાં પણ લોકપ્રિય હતા.
