ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં બહુ જલદી સ્પેશિયલ AC બર્ન વૉર્ડ ચાલુ કરવામાં આવવાનો છે. એમાં મુંબઈની ત્રણ મુખ્ય હૉસ્પિટલો સહિત 16 ઉપનગરીય હૉસ્પિટલોનો સમાવેશ થાય છે.
મુંબઈમાં છેલ્લાં થોડાં વર્ષોમાં આગની દુર્ઘટનાના બનાવ વધી ગયા છે. આગમાં દાઝી જનારા દર્દીની ચામડી સતત નીકળતી હોવાથી ઇન્ફેક્શન વધીને મૃત્યુનું જોખમ વધી જતું હોય છે. એથી લાંબા સમયથી પાલિકાની હૉસ્પિટલમાં AC બર્ન વૉર્ડની સગવડ ઉપલબ્ધ કરવાની માગણી થઈ રહી હતી, જેને પાલિકા કમિશનરે મંજૂર કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાની મુખ્ય હૉસ્પિટલમાં 30 ટકા સુધી દાઝી ગયેલા દર્દી પર સારવાર કરવામાં આવે છે. એનાથી વધુ પ્રમાણમાં દાઝી જનારા દર્દીને સ્પેશિયલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં ફક્ત દાઝી જનારાઓ પર સારવાર કરવામાં આવે છે. મુખ્યત્વે નવી મુંબઈમાં અને ભાયખલામાં આવેલી ખાનગી હૉસ્પિટલમા તેમના પર સારવાર કરવામાં આવતી હોય છે.