ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
હાલ વરસાદનો સમય ચાલી રહ્યો છે તેના કારણે શહેરના રસ્તાઓની હાલત પણ વધુ પડતી ખરાબ થઈ ગઈ છે. એટલે આ બાબતે BMC દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રસ્તાઓમાં ખાડાઓ ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ રસ્તાઓના ખાડાઓ ઓછા થતા નથી. હવે BMCએ તબક્કાવાર રીતે છ મીટર સુધીના તમામ રસ્તાઓને કોંક્રીટ કરવાનો નિર્ણય કર્યો છે. ડામરથી બનેલા રસ્તાઓ પર વરસાદના કારણે ઠેરઠેર ખાડાઓ પડી જાય છે.
મીડિયામાં BMCના જણાવ્યા અનુસાર, 9 એપ્રિલથી 8 સપ્ટેમ્બર, 2021 સુધી BMCએ મુંબઈના રસ્તાઓ પર કુલ 31 હજાર 398 ખાડાઓ ભરી દીધા છે. તેનો વિસ્તાર આશરે 1 લાખ 56 હજાર 910 ચોરસ મીટર છે. મુંબઈમાં, BMCની હદમાં રસ્તાઓ પરના ખાડાની સમસ્યાને ઉકેલવા માટે વહીવટી તંત્ર વિવિધ પગલાં લઈ રહ્યું છે. જેથી ચોમાસામાં પણ કોઈ તકલીફ ન પડે.
ડામરના રસ્તાઓમાં બિટુમેનના ગુણધર્મોને કારણે ચોમાસા દરમિયાન પાણીના સંપર્કમાં આવવાથી નિયમિત ખાડા થાય છે. ખાડાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે BMCએ તબક્કાવાર રીતે 6 મીટર પહોળા રસ્તાઓને સિમેન્ટ-કોંક્રીટથી બનાવવવાની નીતિ અપનાવી છે. ભવિષ્યમાં વધુ ને વધુ રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે. આનાથી રસ્તાઓમાં ખાડા પણ ઓછા થશે.