ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
તહેવારોની મોસમમાં કોરોનાના કેસમાં વધારો થવાની ચિંતા મુંબઈ મનપાને સતાવી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કેસમાં પણ હળવો વધારો જણાઈ રહ્યો છે. એમાં પણ પશ્ચિ ઉપનગરમાં અને દક્ષિણ મુંબઈમાં કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. એથી મુંબઈમાં કુલ 49 ઇમારતો સીલ થઈ છે, એમાંથી સૌથી વધુ 13 બિલ્ડિંગ અંધેરી (વેસ્ટ)માં છે.
મુંબઈમાં ત્રીજી લહેરનું જોખમ નહીં હોવાની રજૂઆત મુંબઈ મહાનગરપાલિકાએ કોર્ટમાં કરી છે. એથી ત્રીજી લહેરનું જોખમ ટળી ગયું છે. છતાં નવરાત્રી અને બાદમાં દિવાળી દરમિયાન બજારોમાં ઊમટનારી ભીડ અને તહેવારોને પગલે એકબીજાને મળવાનું પ્રમાણ વધી ગયું છે. એથી કોરોનાના કેસમાં વધારો થવાનું અનુમાન પાલિકાને છે. હાલ મુંબઈમાં કોરોનાના કુલ 5,017 કેસ છે. એની સામે સમગ્ર મુંબઈમાં 49 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે. સદનસીબે ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં હાલ એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. એથી આ વિસ્તારો કન્ટેઇનટમેન્ટ ઝોન મુક્ત થઈ ગયા છે.
*લખીમપુર હિંસાઃ ચૂંટણીચક્રવ્યૂહના રચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહી આ વાત*
મુંબઈના 24 વૉર્ડમાંથી હાલ 14 વૉર્ડમાં બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે, એમાં સૌથી વધુ બિલ્ડિંગ K-વેસ્ટ વૉર્ડના અંધેરીમાં સીલ થયાં છે. અંધેરી (વેસ્ટ)માં 13 તો બીજા નંબરે D વૉર્ડ ગ્રાન્ટ રોડમાં 10 બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે. F-સાઉથમાં 5, P-નૉર્થમાં 4, K-ઈસ્ટમાં 3, F-નૉર્થમાં 3, M-ઈસ્ટમાં 2, G-સાઉથમાં 2, E વૉર્ડમાં 2, T અને R-સાઉથ, M-વેસ્ટ, G-નૉર્થ અને A વૉર્ડમાં એક-એક બિલ્ડિંગ સીલ છે. આ સીલ ઇમારતોમાં 4,000 ફ્લૅટ છે, જેમાં 16,000 નાગરિકો રહે છે.