ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
હાલ મુંબઇ શહેરના રહેવાસીઓ ના ફફડાટ નો પાર નથી. ગુરુવાર રાતથી વોટ્સએપ ઉપર મેસેજ ફરતો થયો છે કે 25 તારીખ થી મુંબઈ શહેરમાં વધુ એક વાર 10 દિવસ માટે લોક ડાઉન જાહેર થઈ શકે છે. વોટ્સએપ પર મેસેજ ફરી રહ્યો હતો બરાબર તે જ સમયે સરકારે જાહેરાત કરી કે મુંબઈ શહેરમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ સમાચાર આવ્યા બાદ લોકોને હવે લાગી રહ્યું છે કે 25 તારીખ થી મુંબઈ શહેરમાં દસ દિવસ માટે લોક ડાઉન લાગુ થશે. વધુમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લોકો સાવચેતી પૂર્વક વર્તન કરે જેથી વધુ એક વખત લોક ડાઉન લાગુ કરવાની નોબત ન આવે.
આ પરિસ્થિતિ વચ્ચે મુંબઈ શહેરમાં રહેતા લોકોને લાગી રહ્યું છે કે લોક ડાઉન થશે. પરંતુ લોકોની ભ્રમણા દૂર કરવા માટે આદિત્ય ઠાકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ધારા 144 લગાડવી તે એક અતિરિક્ત પગલું છે. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
ન્યૂઝ કંટીન્યૂઝ ની ટીમે આ સંદર્ભે હકીકત જાણવા માટે સરકારી અધિકારી તેમજ નેતાઓનો સંપર્ક કર્યો. ત્યારે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે કે લોક ડાઉન કરવા સંદર્ભે સરકાર તરફથી કોઈ જાહેરાત થઇ નથી. આ ઉપરાંત સરકારે અધિકારીઓને એવા કોઈ નિર્દેશ નથી આપ્યા જેમાં લોક ડાઉન લાગુ કરવાનો ઉલ્લેખ હોય અથવા તેની તૈયારી કરવાનું જણાવ્યું હોય. આ પરિસ્થિતિમાં મુંબઈવાસીઓ પાસે થોભો અને રાહ જુઓ આ સિવાય કોઈ વિકલ્પ નથી.
કોરોના ના કેસ જે રીતે વધી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. એક સપ્તાહમાં ખબર પડી જશે કે પરિસ્થિતિ કઈ તરફ આગળ વધી રહી છે.
