ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના વધતા પ્રકોપને ટાળવા અને રસીકરણ કેન્દ્રને વેગ આપવા નગરસેવકો, વિધાનસભ્યો અને સાંસદો પણ કામે લાગી ગયા છે. હવે તેમના પ્રયાસથી ઉત્તર મુંબઈમાં વધુ એક ઠેકાણે નવું રસીકરણ કેન્દ્ર શરૂ થયું છે. આ રસીકરણ કેન્દ્રમાં ડ્રાઇવ-ઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.
ઉત્તર મુંબઈના કાંદિવલી પૂર્વમાં ગ્રોવેલ્સ શૉપિંગ મૉલમાં સાંસદ ગોપાલ શેટ્ટી અને સ્થાનિક ધારાસભ્ય અતુલ ભટખલકરની ઉપસ્થિતિમાં વરિષ્ઠ નાગરિકો માટે ડ્રાઇવ-ઇન રસીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન આજે મુંબઈના મેયર કિશોરી પેડણેકર દ્વારા કરાયું હતું. આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ૧૦ મેથી જ બેઠકો શરૂ થઈ ગઈ હતી અને આજે એનું ઉદ્ઘાટન થયું હતું.
ઉલ્લેખનીય છે કે ડ્રાઇવ-ઇન રસીકરણ વરિષ્ઠ નાગરિકો તેમ જ શારીરિક રીતે અક્ષમ નાગરિકો માટે ખૂબ ઉપયોગી થશે. આ પૂર્વે પણ નગરસેવકો અને સાંસદોના પ્રયાસથી બોરીવલી અને મલાડ જેવા વિસ્તારમાં રસીકરણ કેન્દ્રો શરૂ થયાં હતાં.