ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
મુંબઈ શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરોધમાં ઠેર-ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યાં છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે મોદીજી અમારાં બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલવામાં આવી? આ પોસ્ટર કૉન્ગ્રેસ પાર્ટી દ્વારા લગાડવામાં આવ્યાં છે. પોસ્ટરની નીચે મુંબઈ કૉન્ગ્રેસના પદાધિકારીઓનાં નામ લખવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાક પહેલાં દિલ્હીમાં આ પ્રકારનાં પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં જેની વિરુદ્ધમાં દિલ્હી પોલીસે 25 એફઆઇઆર લખી હતી તેમ જ અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વાત એમ છે કે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અત્યારે વેક્સિનની તીવ્ર અછત ઊભી થઈ છે. અનેક રાજ્યોએ યુવાન લોકોને વેક્સિન આપવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ અનેક લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાનો સમય થઈ ગયો છે, છતાં તેમના માટે વેક્સિન ઉપલબ્ધ નથી. આ પરિસ્થિતિમાં હવે વેક્સિન એ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. હવે કૉન્ગ્રેસ પાર્ટી એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માગે છે.