ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
નવી મુંબઈની એપીએમસીની કાંદા-બટાટાની બજારમાં માથાડી કામદાર હડતાલ પર ઉતરી ગયા છે. ટ્રક પરથી માલનું લોડિંગ-અનલોડિંગ બંધ થઈ જતા આગામી દિવસમાં ફરી કાંદા-બટાટાના ભાવ આસમાને પહોંચે એવી શકયતા છે. જોકે માથાડી કામદારના નેતાના કહેવા મુજબ કાંદા બજારમાં 10થી 15 ટકા વેપારીઓના જ કામ બંધ કરવામાં આવ્યા છે. તેથી કાંદા-બટાટાને ભાવને કોઈ ફટકો નહીં પડે. જોકે કાંદા-બટાટા બજારના વેપારીઓના દાવા મુજબ બજારમાં 70 ટકાથી વધુ વેપારીઓના કામ બંધ થઈ ગયા છે.
કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ દેશમાં વેપાર-ધંધા ફરી બેઠા થઈ રહ્યા છે. તેવામાં એપીએમસીની કાંદા-બટાટાની બજારમાં માથાડી કામદારોએ લોડિંગ-અનલોડિંગ બંધ કરી નાખ્યું છે. આ બાબતે માથાડી કામદારોના નેતા નરેન્દ્ર પાટીલે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે કાંદા-બટાટા બજારના ફકત 15થી 20 ટકા વેપારીઓના જ કામ માથાડી કામદારોએ બંધ કર્યા છે. કામ બંધ કરવાનો નિર્ણય પણ અચાનક લેવામા આવ્યો નથી. વેપારીઓને અને સરકારને અમે પહેલા જ બેઠક લઈને તે મુજબનો પત્ર આપી દીધો હતો. કામ બંધ માટે બજારના આ 15થી 20 ટકા વેપારીઓ જ જવાબદાર છે. અમારી માગણીઓ વેપારીઓને તેમ જ સરકારને પહેલા જ જણાવી દીધી છે.
માથાડી કામદારોની હડતાલ બાબતે નરેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ઈન્ડિયન લિબરલ વર્કર ઓર્ગનાઈઝેશને 1990 પહેલા એક સર્વેક્ષણ કર્યો હતો. તે મુજબ નારાયણ રાણે જયારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મહારાષ્ટ્ર સરકારે પરિપત્રક કાઢયું હતું. જેમાં 50 કિલોથી વધારે માલ એક ગુણીમાં ભરી શકાય નહીં. અમુક વર્ષોમાં તબક્કાવાર રાજયની તમામ એપીએમસી માર્કેટમાં તે અમલમાં મુકવામા આવ્યું હતું. જોકે કાંદા-બટાટા બજારમાં અમુક સમસ્યાઓનો ઉકેલ આવ્યો નહોતો. તેથી ગુણીમાં 50 કિલો માલના ભરવાને લઈને સમસ્યા કાયમ રહી હતી. છેલ્લા 15 મહિનાથી આ બાબતે ચર્ચા ચાલી રહી હતી. પરંતુ વાત આગળ વધતી નહોતી.
બધા વેપારીઓના કામ બંધ કરવામાં આવ્યા નથી એવું જણાવતા નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે એપીએમસી બજારમાં 15થી 20 ટકા વેપારીઓ ગુણીઓમાં 50 કિલોને બદલે 65થી 70 કિલો માલ ભરતા હોય છે. તેમના કામ બંધ કરી દેવામા આવ્યા છે. બજારમાં 80 ટકા વેપારીઓ 50 કિલોથી ઓછો માલ ભરે છે. તેમનું કામ બંધ કરવામાં આવ્યું નથી.
કાંદા-બટાટાના ભાવને ફરક નહીં પડે એવું જણાવતા તેમણે કહ્યું હતું કે બજારના 80 ટકાથી વધુ વેપારીઓના લોડિંગ-અનલોંડિગ ચાલુ છે. તેથી બજારમાં માલની સપ્લાય રહેશે. તેથી ગ્રાહકોને નુકસાન નહીં થાય. પરંતુ જે ખેડૂતો પાસેથી આ લોકો માલ ખરીદે છે તેમને ફરક પડશે. લોડિંગ-અનલોડિંગ બંધ થવાથી ખેડૂતોનો માલ પડી રહેશે.
માથાડી કામદારોના નેતાઓ એપીએમસી બજારમાં ફક્ત 15થી 20 ટકા વેપારીઓના કામ બંધ કર્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે એપીએમસી બજારના ઓનિયન પોટેટો ટ્રેડર્સ અસોસિયેશનના સેક્રેટરી રાજીવ મણિયારે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યુ હતું કે કાંદા-બટાટા બજારમાં 70 ટકાથી વધુ વેપારીઓના કામ બંધ છે. કાંદા-બટાટા પેરીશેબલ આઈટમ છે. જો હડતાલ ચાલુ રહી તો માલ સડવા માંડશે. બજારમાં માલની અછત સર્જાશે અને ભાવ પણ આસમાને પહોંચવાની શક્યતા છે. તેઓની માંગણીને લઈને રાજ્ય સરકારે જ નિર્ણય લેવાનો છે. અમારા હાથમાં કંઈ નથી.