ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑગસ્ટ, 2021
સોમવાર
મુંબઈમાં વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિને 15મી ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે, તો વેક્સિનનો બીજો ડોઝ લેવાના 14 દિવસ બાદ પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. સરકારની જાહેરાતથી જોકે મુંબઈગરાએ બહુ હરખાવા જેવું નથી, કારણ કે મુંબઈની સવા કરોડની વસતિમાંથી હજી માંડ સરેરાશ 15 ટકા લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે.
હાલ મુંબઈમાં અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. પ્રવાસી સંગઠનો, નાગરિકો સહિત પૉલિટિકલ દબાણને પગલે સરકારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા શરતી મંજૂરી આપી છે. એમાં વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. એ મુજબ તો મુંબઈમાં માત્ર 19 લાખ લોકો જ ટ્રેનમાં પ્રવાસ કરવાને લાયક છે. કારણ કે મુંબઈમાં અત્યાર સુધીમાં લગભગ 19 લાખ લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.
મોટા સમાચાર : મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજા સામાન્ય નાગરિક માટે ખુલ્યા. પરંતુ આ છે શરતો. જાણો વિગત.
આ 19 લાખમાંથી પણ જોકે લગભગ સાડાછ લાખ લોકો તો 60 વર્ષથી વધુ વયના છે. સિનિયર સિટીઝનમાંથી ગણ્યાગાંઠ્યા લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. એથી માંડ 14 લાખ લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈની સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઈનમાં કોરોના પહેલાં રોજના સરેરાશ ૭૫ લાખથી ઉપર લોકો પ્રવાસ કરતા હતા, જેમાં ૩૬ લાખ વેસ્ટર્ન લાઇનમાં અને ૪૦ લાખ લોકો સેન્ટ્રલ લાઇનમાં પ્રવાસ કરતા હતા. એની સામે હાલ સરકારે વેક્સિનના બંને ડોઝ લેનારાઓને જ લોકલમાં પ્રવાસની મંજૂરી આપી છે, એથી બાકીના લોકોનું ભવિષ્ય અધ્ધરતાલ જ જણાય છે.