ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આર્થિક ગુનાઓમાં 29 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ વ્હાઇટ કૉલર ક્રાઇમમાં મુંબઈ બીજા નંબર પર આવી ગયું છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડસ બ્યુરો (NCRB)એ દેશનાં 19 શહેરમાં થયેલા ગુનાઓનો અહેવાલ બહાર પાડ્યો છે. એ મુજબ મુંબઈમાં ગયા વર્ષે આર્થિક ગુનેગારી (ઇકૉનૉમિક ક્રાઇમ)ના 3,927 ગુના નોંધાયા હતા. 2019ની સરખામણીમાં આ ઓછા છે, જોકે એના માટે કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલું લૉકડાઉન જવાબદાર ગણવામાં આવે છે.
NCRBના અહેવાલ મુજબ આર્થિક ગુનામાં દિલ્હી 4,445 ગુના સાથે પહેલા નંબરે છે. દિલ્હીની પાછળ પાછળ મુંબઈ બીજા નંબરે 3,927 ગુના સાથે અને હૈદરાબાદ 3,427 સાથે ત્રીજા નંબરે છે.
2019માં મુંબઈમાં 5,557 અને 2018માં 4,803 ગુના નોંધાયા હતા. એમાં 3,348 ગુના ફ્રૉડના હતા. આમાં ચોંકાવનારી બાબત એ છે કે 2019થી 14,135 ગુના પેન્ડિંગ છે.
ગયા વર્ષે મુંબઈ પોલીસે 18,862 ગુનાની તપાસ કરી હતી. એમાંથી 1,081 પ્રકરણમાં પોલીસે આરોપપત્ર દાખલ કર્યાં હતાં. 2020ના અંત સુધીમાં 16,051 પ્રકરણ તપાસ માટે પેન્ડિંગ હતાં. એમાં પણ મુંબઈમાં સૌથી વધુ કેસ પેન્ડિંગ છે.
મુંબઈ પોલીસે આર્થિક ગુના સંબંધિત ગુના માટે 2,385 લોકોની ધરપકડ કરી હતી, તો 1,727 લોકો વિરુધ આરોપપત્ર દાખલ કર્યા હતા. એમાં ગયા વર્ષે વ્હાઇટ ગુનામાં 56 લોકોને દોષી જાહેર કરવામાં આવ્યા હતા, તો 6 લોકો નિર્દોષ છૂટી ગયા હતા. મુંબઈ પોલીસે આર્થિક ગુના માટે નોંધેલા કેસમાંથી 228 લોકો જુદી જુદી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા છે.