ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,1 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈ મહાનગરપાલિકાની કસ્તુરબા હોસ્પિટલમાં કોવિડ-19 વિષુંના સાતમા જીનોમ સિક્વેન્સિંગના ટેસ્ટમાં 228 અસરગ્રસ્ત સેમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં ઓમીક્રોનના લગભગ 156 એટલે કે 55 ટકા દર્દી મળી આવતા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.
જિનોમ સિક્વેન્સિંગના રિપોર્ટને પગલે મુંબઈમાં ઓમીક્રોનનો સામૂહિક ચેપ લાગવાનું જોખમ વધી ગયું હોવાનું જણાયું છે. 156 દર્દીમાંથી ફક્ત 9 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા જણાઈ હોવાનું પાલિકાએ કહ્યું હતું.
કસ્તુરબા હોસ્પિટલની લેબોરેટરી અને પુણેની નેશનલ વાઈરોલોજી ઈન્સ્ટિટ્યૂટમાં સાતમી ટેસ્ટના ભાગ તરીકે કોવિડ થયેલા દર્દીના કુલ 376 નમૂના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 282 નાગરિક મુંબઈના છે. તેનો રિપોર્ટ શુક્રવારે જાહેર થયો હતો.
રિપોર્ટ મુજબ ડેલ્ટા વેરિયન્ટના 13 ટકા, ડેલ્ટા ડેરિવેટીવના 32 ટકા તો ઓમીક્રોન ના 55 ટકા દર્દી નોંધાયા છે. કોવિડના ડેલ્ટા કરતા ઓમીક્રોન સૌમ્ય છે. પરંતુ તેનો ચેપ લાગવાનું પ્રમાણ બહુ ઝડપી છે. તેથી તમામ યંત્રણાને સતર્ક રાખવામાં આવી છે.
282 દર્દીમાંથી 0થી 20 વર્ષના 46 દર્દી હતા. 21થી 40 વર્ષની એજ ગ્રુપના 99 દર્દી, 41થી 60 વર્ષના 79 દર્દી , 61થી 80 વર્ષની એજ ગ્રુપના 54 દર્દી અને 81થી 100 વર્ષના ચાર દર્દી નોંધાયા હતા.
મુંબઈના 282 દર્દીમાંથી ફક્ત 17 દર્દીનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી પહેલા ડોઝ લીધેલા ફકત ત્રણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બંને ડોઝ લીધેલા 10 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેક્સિનનો એક પણ ડોઝ નહીં લેનારા 81માંથી ચારને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.
બોરીવલી રેલવે બુકિંગ ઓફિસમાં પેસી ચૂકયો છે કોરોના, આટલા કર્મચારી પોઝિટિવ; જાણો વિગત
ડેલ્ટા ડેરિવેટીવનો ચેપ લાગેલા દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પડયા હતા. તેમાંથી એક ડેલ્ટા ડેરિવેટીવ અસહગ્રસ્ત દર્દીનું મોત થયું હતું. તેની ઉંમર 60થી વધુની હતી. તેને ડાયાબિટીઝ સહિત અન્ય બીમારી હતી. તેણે વેક્સિનનો ફકત એક ડોઝ લીધો હતો.